05 December, 2025 12:41 PM IST | China | Gujarati Mid-day Correspondent
ડેન્ગ નામના ભાઈએ દારૂના નશામાં સિગારેટ સળગાવવા માટેનું લાઇટર મોંમાં નાખી દીધું
નશામાં શરાબી કંઈ પણ કરી નાખે છે. ચીનના ચેન્ગડુ શહેરમાં ડેન્ગ નામના ભાઈએ દારૂના નશામાં સિગારેટ સળગાવવા માટેનું લાઇટર મોંમાં નાખી દીધું. લાઇટર ગળા નીચે ઊતરી પણ ગયું અને ડેન્ગભાઈને ખબર પણ ન પડી. ૩૦ વર્ષ સુધી લાઇટર અંદર રહ્યું, પણ કંઈ જ તકલીફ ન થઈ. જ્યારે પેટમાં અજીબ પીડા થવાની શરૂ થઈ ત્યારે તેણે ડૉક્ટરને બતાવ્યું. સમસ્યાના નિદાન માટે ડૉક્ટરે કેટલાંક પરીક્ષણો કર્યાં તો ખબર પડી કે પેટમાં કંઈક છે. એ વખતે ડેન્ગભાઈને યાદ આવ્યું કે ત્રીસેક વર્ષ પહેલાં જુવાનીમાં તેણે કોઈકની સાથે નશામાં શરત લગાવી હતી અને એ વખતે તે લાઇટર ગળી ગયેલો. એ સાંભળીને ખુદ તેની પત્ની અને બાળકોને પણ નવાઈ લાગી, કેમ કે આ ઘટના ડેન્ગનાં લગ્ન પહેલાંની હતી. ડૉક્ટરોએ પેટમાં પડેલું લાઇટર કાઢવા માટે ગૅસ્ટ્રોસ્કોપી નામની પ્રક્રિયા કરવાનું નક્કી કર્યું. એમાં મોં વાટે મશીન નાખવામાં આવે છે જે પેટની અંદર ઊંડે સુધી જાય છે અને પછી ચીપિયા જેવા સાધનથી પડેલી ચીજને કાઢી લેવાય છે. જોકે ગૅસ્ટ્રોસ્કોપી દરમ્યાન ડૉક્ટરોને બહુ તકલીફ પડી રહી હતી. વર્ષોથી પેટમાં પડી રહેવાને કારણે લાઇટરની બહારની સપાટી ખૂબ જ ચીકણી થઈ ગઈ હતી એટલે એ ડૉક્ટરોના ચીપિયામાં પકડાતું જ નહોતું. વળી લાઇટર વર્ષોથી પડી રહેવાને કારણે વધુ જોર કરીને પકડવામાં આવે તો કદાચ ફાટી જવાની સંભાવના પણ હતી એટલે આખરે ડૉક્ટરોએ ચીપિયાની સાથે કૉન્ડોમ અંદર નાખ્યું હતું અને પેટની અંદર એ કૉન્ડોમ લાઇટરની ફરતે વીંટાળી લીધું હતું. એ પછી કૉન્ડોમને ખેંચીને બહાર કાઢવાનું સરળ થઈ ગયું હતું.