ચીનમાં હવે અમીર-ગરીબની લવસ્ટોરીની કહાણીઓ ટીવી-મોબાઇલમાં રજૂ કરવા પર બૅન

17 December, 2025 01:06 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

સિરિયલોમાં બિઝનેસ-ટાઇકૂન્સના નામે જે અવાસ્તવિક દાવાઓ બતાવવામાં આવે છે એને કારણે અમીરોની છબિ ખરાબ થાય છે

‘CEO રોમૅન્સ’

તાજેતરમાં ચીનના નૅશનલ રેડિયો ઍન્ડ ટેલિવિઝન ઍડ્‍મિનિસ્ટ્રેશને આદેશ આપ્યો છે કે હવે દબંગ અને અમીર બૉસ અને એક આમ છોકરી વચ્ચે થતા પ્રેમવાળી વાર્તાઓ ટીવી-OTT કે વેબસાઇટ પર દેખાડી નહીં શકાય. ચીન, હૉન્ગકૉન્ગ અને કોરિયામાં ‘CEO રોમૅન્સ’ તરીકે ઓળખાતી વાર્તાઓ બહુ પ્રચલિત છે. સ્ટોરી-ટેલિંગ વેબસાઇટ્સ પર અઢળક સિરિયલો ધૂમ મચાવે છે જેમાં એક અત્યંત અમીર ખાનદાનની યંગ વ્યક્તિને અત્યંત સામાન્ય ગરીબ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. કાં તો છોકરી બહુ અમીર હોય કાં છોકરો બહુ અમીર હોય. બન્ને વચ્ચેની આ ખાઈને ખૂબ સ્પષ્ટ રીતે ઉજાગર કરવામાં આવી હોય છે. ચીનની સરકારનું કહેવું છે કે આવી સિરિયલોને કારણે લોકો એવું માનવા લાગ્યા છે કે અમીર ખાનદાન કે પાવરફુલ વ્યક્તિ સાથે લગ્ન કરવાં એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. સિરિયલોમાં બિઝનેસ-ટાઇકૂન્સના નામે જે અવાસ્તવિક દાવાઓ બતાવવામાં આવે છે એને કારણે અમીરોની છબિ ખરાબ થાય છે. ચીનની સરકારનું કહેવું છે કે અમીર ઉદ્યમીઓને રોમૅન્સ અને સાસ-બહૂ અને ત્રીજી મહિલાના ટ્રાયેન્ગલમાં ઉલઝતા દેખાડવાનું તેમના માટે ઊતરતી કક્ષાનું છે. આ વાર્તાઓ વાસ્તવિક નથી હોતી, પરંતુ લોકો એને સાચી માનીને કલ્પનામાં રાચવા લાગે છે જે ઠીક ન હોવાથી ચીનની સરકારે આવી અમીર-ગરીબની લવસ્ટોરીની સિરિયલો પર પ્રતિબંધ મૂક્યો છે.

offbeat news international news world news china television news