લોકોએ ચૂંટણીમાં વોટ ન આપ્યો તો ગુસ્સામાં મુખિયાએ પોતે જ બનાવેલો રોડ તોડી નાખ્યો

07 October, 2024 05:43 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારની નોરુ પંચાયતના મુખિયા નાગેન્દ્ર યાદવ ઉર્ફે છોટન યાદવે સિબલ ગામ તરફ જતા કાચા રોડને પાકો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

ઇલેક્શનમાં વોટ ન મળ્યા એટલે મુખિયાએ રસ્તો તોડી નાખ્યો

બિહારમાં એક સ્થાનિક રાજકારણીએ ગુસ્સામાં આવીને એવું કામ કર્યું કે એ સાંભળીને હસવું કે રડવું એ જ ખબર નથી પડતી. વાત એમ છે કે બિહારની નોરુ પંચાયતના મુખિયા નાગેન્દ્ર યાદવ ઉર્ફે છોટન યાદવે સિબલ ગામ તરફ જતા કાચા રોડને પાકો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. રોડ પર ઈંટો પાથરીને બેઝ તૈયાર હતો અને એની પર પાકી સડક બનવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું હતું. જોકે એ દરમ્યાન જ ગામમાં ચૂંટણીઓ થઈ અને વિકાસકાર્યો અટકી પડ્યાં. ચૂંટણીમાં છોટન યાદવ હારી ગયા. હારનો ગુસ્સો તેમના મનમાં એવો ભરેલો હતો કે તેમણે પોતાના જ કામ પર દાટ વાળી દીધો. નવા બનેલા મુખિયા બિહારી યાદવ એની પર પાકી સડક બનાવવાનું કામ શરૂ કરવા માગતા હતા એવી ખબર પડતાં જ છોટન યાદવે પોતે જ બનાવડાવેલા રોડ પરની ઈંટો સહિત બધું જ ખોદાવી કાઢ્યું. 

હવે ગામલોકોએ છોટન યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે બે ગામને જોડતો રસ્તો તૂટી ગયો હોવાથી બહુ મુશ્કેલી પડે છે.

bihar bihar elections political news news offbeat news