03 October, 2026 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સમોસા વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય છે
સમોસા ભારતના દરેક ખૂણે મળે છે. અફૉર્ડેબલ પાર્ટી કરવાની હોય તોય સૌથી પહેલાં વડા કે સમોસા જ યાદ આવે. જોકે આખરે તો એ જન્ક-ફૂડ છે એટલે ખાધા પછી ગિલ્ટ ખૂબ થાય. જોકે દિલ્હીના લક્ષ્મીનગરમાં હવે આયુર્વેદિક સમોસા મળી રહ્યા છે. એ માત્ર ભૂખ મિટાવવાનું જ નહીં, પેટને સારું રાખવાનું કામ પણ કરે છે. અલબત્ત, આ દાવો એના દુકાનદારનો છે. દેખાવમાં સામાન્ય સમોસા જેવા જ દેખાય છે, પરંતુ એને નામ અપાયું છે આયુર્વેદિક સમોસા. દુકાનદારનો દાવો છે કે એની અંદર બાફેલા બટાટાની સાથે ખૂબ જ હળવા મસાલાઓ નાખવામાં આવ્યા છે અને સાથે કેટલીક ફેમસ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ મેળવેલી છે. આ દવાઓ પાચન સારું કરે છે અને મગજને પણ શાંત અને ઍક્ટિવ રાખવામાં મદદરૂપ થાય છે.
એવી તો કઈ જડીબુટ્ટીઓ એમાં છે? દાવા મુજબ બે ઔષધ છે. એક લવણ ભાસ્કર ચૂર્ણ અને બીજું જટામાંસી. લવણ ભાસ્કર ચૂર્ણ પેટ માટે ખૂબ જ સારું છે. એ ખોરાક પચાવવામાં મદદ કરે છે અને ગૅસ નથી બનવા દેતું. પાચન સારું થવાથી ભૂખ પણ વધારે છે. બીજી તરફ જટામાંસી મગજને સતેજ કરનારી ઔષધિ છે. એ માનસિક થાક દૂર કરીને સ્મરણશક્તિ સુધારે છે.
આ સમોસાના જનકનું નામ છે સુજિત કુમાર. તેઓ કહે છે, ‘હું સમોસાનો જબરો શોખીન છું, પણ બજારમાં મળતા પચવામાં ભારે અને ભેળસેળવાળા સમોસાથી સ્વાસ્થ્ય ખરાબ થતું હતું એટલે મેં વિચાર્યું કે કંઈક એવું બનાવું જેનાથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય. સમોસાના પૂરણમાં લવિંગ, અજમો, કસૂરી મેથી, લવણ ભાસ્કર ચૂર્ણ, જટામાંસી નાખીએ છીએ. એની સાથે અપાતી મીઠી ચટણી પણ અલગ હોય છે. તાજા ટમેટાં અને લસણમાંથી તૈયાર કરેલી ખટમીઠી ચટણીથી શરીરમાં કૉલેસ્ટરોલ વધવાનો ખતરો ઘટે છે.’
સુજિત કુમાર પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમના સમોસા વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય છે એવું જણાવતાં તેઓ કહે છે, ‘લક્ષ્મીનગર વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ઍડ્વાન્સ્ડ પરીક્ષાઓની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ રહે છે. ઘરથી દૂર રહેતા આ સ્ટુડન્ટ્સ અમારા સમોસા છૂટથી ખાય છે. એની કિંમત માત્ર ૨૦ રૂપિયા જ છે.’
તળેલી ચીજ ગમેએટલી હેલ્ધી હોવાનો દાવો થાય, જ્યારે કોઈ વાનગી તેલમાં ડીપ ફ્રાય થાય ત્યારે એને સંપૂર્ણપણે હેલ્ધી કેવી રીતે ગણવી એ મોટો સવાલ છે.