02 November, 2026 02:00 PM IST | Germany | Gujarati Mid-day Correspondent
જર્મનીમાં આવા ડૉગીઝની આર્ટને ડિસ્પ્લે કરવા માટે ખાસ પ્રદર્શન યોજાયું છે.
માત્ર માણસો જ અભિવ્યક્તિરૂપે ચિત્રો દોરે છે એવું થોડું છે? પાળેલા ડૉગીઝ પાસે પણ ડ્રૉઇંગની કળા હોઈ શકે છે. જર્મનીમાં આવા ડૉગીઝની આર્ટને ડિસ્પ્લે કરવા માટે ખાસ પ્રદર્શન યોજાયું છે. એમાં ખાસ ડૅશહન્ડ પ્રજાતિના ડૉગીઝનાં ચિત્રો, શિલ્પો અને અને આર્ટવર્કની રજૂઆત થઈ છે. જર્મનીના બ્રેમેન શહેરમાં ૩૧ ઑક્ટોબરે એક પ્રદર્શન શરૂ થયું છે જેમાં ડૉગીઓએ દોરેલાં ચિત્રો પણ રજૂ થયાં છે. એ જોવા માટે પેટ-ઓનર્સ તેમના પેટ્સને લઈને આવી શકે છે. અલબત્ત, અહીં તમે જાયન્ટ ડૉગીઝને લઈને નહીં જઈ શકો. આ પ્રદર્શન જોવા માટે ટાઇની એટલે કે ૩૦ સેન્ટિમીટરથી વધુ હાઇટ ન ધરાવતા હોય એવા જ ડૉગીઝને લઈને જઈ શકશો. મ્યુઝિયમના ડિરેક્ટર ક્રિસ્ટોફર ગ્રુનેનબર્ગનું કહેવું છે કે આ દુનિયાનું પહેલું એક્ઝિબિશન છે જેમાં ડૉગીઝ દ્વારા રચાયેલી આર્ટ રજૂ થઈ છે. જર્મનીના સમ્રાટ કૅસર વિલ્હેમ દ્વિતીય પાસે ડૅશહન્ડ બ્રીડનો ડૉગી હતો એટલે અહીં આ બ્રીડના ડૉગીઝ ખાસ મનાય છે.