20 October, 2024 10:41 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent
રાતે ૮.૩૦ વાગ્યા હશે અને એકાએક રેલવે-ટ્રૅક પરથી હાથીઓનું ટોળું પસાર થયું
આસામમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)એ એક ગંભીર ટ્રેન-ઍક્સિડન્ટ થતો અટકાવ્યો હતો. ટ્રેન-ડ્રાઇવર જે. ડી. શાહ અને સહાયક ઉમેશકુમાર ૧૬ ઑક્ટોબરે આસામમાં કામરૂપ એક્સપ્રેસ લઈને નીકળ્યા હતા. ટ્રેન ગુવાહાટીથી લુમડિંગ જતી હતી. રાતે ૮.૩૦ વાગ્યા હશે અને એકાએક રેલવે-ટ્રૅક પરથી હાથીઓનું ટોળું પસાર થયું. ટ્રેનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્ટ્રક્શન ડિટેક્શન સિસ્ટમ (IDS) લગાડાયેલી હતી. એ સિસ્ટમે ચેતવ્યા એટલે ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક મારીને ટ્રેન રોકી દીધી હતી. હાથીઓ નીકળી ગયા પછી ટ્રેન આગળ વધી હતી. આસામમાં હાથીઓની વસ્તીને ધ્યાનમાં રાખીને IDS લગાડાય છે. આ સિસ્ટમને કારણે ૨૦૨૩માં ૪૧૪ અને આ વર્ષે ૧૬ ઑક્ટોબર સુધી ૩૮૩ હાથીના જીવ બચાવી શકાયા છે. પૂર્વ મધ્ય રેલવે બધા એલિફન્ટ કૉરિડોરમાં આ સિસ્ટમ બેસાડશે.