હૅન્ડ સ્ટૅન્ડ વેહિકલ છે આ તો: ઇટલીના જાંબાઝ બાહુબલીએ હાથ પર ચાલીને ૩ વિમાન ખેંચ્યાં

02 August, 2024 10:28 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

આ ‘બાહુબલી’એ હાથ પર ચાલીને એકસાથે ૩ વિમાન ખેંચ્યાં છે. માટેઓ પોતાને ‘હૅન્ડ સ્ટૅન્ડ વેહિકલ’ તરીકે જ ઓળખાવે છે.

માટેઓ પાવોન

દુનિયામાં કેટલાય લોકો એવા હોય છે જેમને વિક્રમ સર્જવાની ધૂન ચડેલી હોય છે. આપણે વિચાર્યુંય ન હોય એવું-એવું આ લોકો કરી નાખે અને વિક્રમ નોંધાવી દે છે. ઇટલીના માટેઓ પાવોન નામના માણસે આવો જ એક શક્તિશાળી વિક્રમ કર્યો છે. આ ‘બાહુબલી’એ હાથ પર ચાલીને એકસાથે ૩ વિમાન ખેંચ્યાં છે. માટેઓ પોતાને ‘હૅન્ડ સ્ટૅન્ડ વેહિકલ’ તરીકે જ ઓળખાવે છે.

વર્લ્ડ રેકૉર્ડ કરવા માટેઓએ ૫૬૬૯.૯૦ કિલો વજન ધરાવતાં વિમાન પસંદ કર્યાં. રેકૉર્ડ નોંધાવવા માટે તેણે ત્રણેય વિમાનને પાંચ મીટર સુધી એટલે કે ૧૬.૪૦ ફીટ સુધી ખેંચવાનાં હતાં. આ રેકૉર્ડ કરવા માટે માટેઓ ૨૦૧૮થી લાગી પડ્યો હતો. ફિટ રહેવા અને વિક્રમ કરવા માટે તેણે ક્રોસફિટ કસરતો કરી હતી. અઠવાડિયામાં ૩થી ૬ વાર કાર્ડિયો, સ્ટેન્થ ટ્રેઇનિંગની બીજી કસરતો અને યોગ પણ કરતો. ડાયટ ફૂડની સાથે સારવાર માટે ફિઝિયોથેરપી પણ કરતો.

જગતમાં બીજા પણ કેટલાક મજબૂત ખેંચુઓ છે. ગયા વર્ષે યુક્રેનના ૩૪ વર્ષના દિમિત્રો હ્યુંસ્કીએ એકસાથે ૬ કાર દાંત વડે ખેંચી હતી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવ્યું હતું. દિમિત્રો પહેલાં ઑસ્ટ્રેલિયાના ટ્રૉય કોનલીમેગ્નસે ૨૦૨૧માં દાંતથી પાંચ કાર ખેંચી હતી.

offbeat news italy guinness book of world records