જપાનની ૧૦૮ વર્ષની મહિલા બની વિશ્વની સૌથી મોટી ઉંમરની બાર્બર

15 March, 2025 08:50 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આજે પણ હાકોઈશી વાળ કાપવાનું કામ કરે છે. જોકે હવે તે માત્ર રેગ્યુલર ક્લાયન્ટ્સના વાળ કાપે છે.

શિત્સુઈ હાકોઈશી

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૧૦૮ વર્ષની શિત્સુઈ હાકોઈશીને દુનિયાની સૌથી મોટી ઉંમરની બાર્બર તરીકે સન્માનિત કરી છે. હાકોઈશી ટોચિગી પ્રાંતના નાકાગાવા શહેરના સલૂનમાં કામ કરે છે. તેનો જન્મ ૧૯૧૬ની ૧૦ નવેમ્બરે આ ગામમાં જ એક ખેડૂત પરિવારમાં થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે તે ટોક્યો રહેવા આવી અને ત્યાં વાળ કાપવાની ટ્રેઇનિંગ લેવાની શરૂઆત કરી હતી. ૨૦ વર્ષની ઉંમરે તેણે ૧૯૩૬માં બાર્બર તરીકેનું લાઇસન્સ મેળવી લીધું હતું અને ત્રણ વર્ષ બાદ પતિ સાથે પોતાનું સલૂન ખોલ્યું હતું. જોકે બીજા વિશ્વયુદ્ધમાં એક હવાઈ હુમલામાં તેનું સલૂન તૂટી ગયું હતું. એને કારણે તેને નાકાગાવા પાછું ફરવું પડ્યું હતું. તેનો પતિ ઇમ્પીરિયલ જપાની સેનામાં કામ કરતો હતો અને યુદ્ધમાંથી તે પાછો ફર્યો નહોતો. ૧૯૫૩ સુધી તેને પતિના મૃત્યુની સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી. બે બાળકોની દેખભાળ માટે તેણે ૧૯૫૩માં ફરી રસ્તા પર ખુરસી મૂકીને સલૂનની શરૂઆત કરી હતી. ૭૦ વર્ષની ઉંમરે તેણે કસરત કરવાની શરૂઆત કરી હતી અને એ રૂટીનને કારણે તે આટલું લાંબું જીવી છે અને હજી ઍક્ટિવ છે. ૨૦૨૧માં ટોક્યો ઑલિમ્પિક્સમાં તેને મશાલવાહકના રૂપમાં પસંદ કરવામાં આવી હતી.

આજે પણ હાકોઈશી વાળ કાપવાનું કામ કરે છે. જોકે હવે તે માત્ર રેગ્યુલર ક્લાયન્ટ્સના વાળ કાપે છે. તે ૯૦ વર્ષથી વાળ કાપે છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ ચાલુ રાખવા માગે છે. તેની મમ્મીએ તેને શીખવ્યું હતું કે કોઈના પ્રતિ ક્યારેય દ્વેષ ન રાખવો, કોઈની ઈર્ષ્યા ન કરવી અને બીજાઓ સાથે ક્યારેય લડવું નહીં. માતાની આ સલાહને આજે પણ તે ફૉલો કરે છે.

offbeat news japan international news world news guinness book of world records