તિરંગાથી પ્રેરિત વંદે ભારત એક્સપ્રેસમાં લીલો રંગ ક્યાં?

10 July, 2023 11:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવા કેસરિયા રંગની વંદે ભારત એક્સપ્રેસને હજી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં નથી આવી.

કેસરિયા રંગની વંદે ભારત એક્સપ્રેસ

રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતમાં નિર્મિત સંપૂર્ણ સ્વદેશી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસનો રંગ કેસરી હશે. નવા કેસરિયા રંગની વંદે ભારત એક્સપ્રેસને હજી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં નથી આવી. હાલ તે ચેન્નઈના ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (આઇસીએફ) ખાતે આવેલી છે, જ્યાં એને બનાવવામાં આવી રહી છે. નવી ગાડીના કેસરી રંગને કારણે લોકો નારાજ છે, કારણ કે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ૨૮મી સ્વદેશી ટ્રેનનો નવો રંગ તિરંગાથી પ્રેરિત છે. વળી એમાં ૨૫ જેટલા સુધારા પણ કરવામાં આવ્યા છે. આટલું કહીને તેમણે નવી ટ્રેનના ફોટો શૅર કર્યા હતા, જેમાં એ માત્ર કેસરિયા અને સફેદ રંગમાં જ જોવા મળે છે. લીલો અને ભૂરો રંગ ગાયબ છે. મોહમ્મદ ઝુબેર નામની વ્યક્તિએ કહ્યું હતું કે લીલો રંગ અચ્છે દિન જેવો છે. અન્ય એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું હતું કે પૈડાનો રંગ લીલો છે, પણ ધર્મચક્ર ખૂટે છે.

indian railways vande bharat national news new delhi