બરેલીમાં શનિવારે પણ ગેરકાનૂની ઇમારતો પર થઈ બુલડોઝર કાર્યવાહી

05 October, 2025 07:20 AM IST  |  Bareilly | Gujarati Mid-day Correspondent

સમાજવાદી પાર્ટીના નેતાઓની બરેલીમાં આવીને આગમાં ઘી હોમવાની મુરાદ ઉત્તર પ્રદેશ પોલીસે પૂરી ન થવા દીધી

બરેલીમાં અચાનક ફાટી નીકળેલાં રમખાણો પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે થથરાવી નાખે એવાં કડક પગલાં લીધાં છે

૨૬ સપ્ટેમ્બરે જુમ્માની નમાઝ બાદ બરેલીમાં અચાનક ફાટી નીકળેલાં રમખાણો પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે થથરાવી નાખે એવાં કડક પગલાં લીધાં છે. ‘આઇ લવ મોહમ્મદ’ મૂવમેન્ટ સાથે સંકળાયેલા તોફાની લોકોની ગેરકાનૂની દુકાનો અને બૅન્ક્વેટ હૉલ પર બરેલી ડેવલપમેન્ટ ઑથોરિટીએ શનિવારે પણ બુલડોઝર ફેરવ્યું હતું.

બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતાઓ બરેલીમાં ૧૪ નેતાઓનું પ્રતિનિધિમંડળ મોકલીને તોફાનોના પીડિતોને મળવા નીકળ્યા હતા. પીડિતોની સમસ્યા સાંભળીને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી વાજબી છે કે નહીં એની તપાસ માટે આ પ્રતિનિધિમંડળ નીકળ્યું હતું. જોકે પોલીસે તેમને બરેલીમાં ઘૂસવા જ નહોતા દીધા. મોટા ભાગના નેતાઓને ગાઝિયાબાદ બૉર્ડર પર જ રોકી લેવામાં આવ્યા હતા. એક સંસદસભ્ય નીરજ મૌર્ય પોલીસને ચકમો આપીને બરેલીના સર્કિટ હાઉસ પર પહોંચી ગયા હતા, પરંતુ એની પોલીસને જાણ થતાં તેમને પકડી લીધા હતા.

uttar pradesh bareilly national news