02 November, 2024 06:51 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
BJPના બટેંગે તો કટેંગેની સામે SPનું જુડેંગે તો જીતેંગે
૧૩ નવેમ્બરે ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકારણ જબરદસ્ત ગરમાયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે જોરદાર બૅનરવૉર ચાલી રહ્યું છે. લોકસભામાં સમાજવાદી પાર્ટીને PDA (પિછડે, દલિત, અલ્પસંખ્યક)નો સારોએવો સપોર્ટ મળ્યો હતો અને જાતિનું આવું સમીકરણ ગોઠવીને એણે BJPને માત આપી હોવાથી એનું પુનરાવર્તન પેટાચૂંટણીમાં ન થાય એ માટે રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ‘બટેંગે તો કટેંગે’. તેમના આ સ્ટેટમેન્ટનાં જે નવ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી થઈ રહી છે ત્યાં ઠેર-ઠેર પોસ્ટરો લગાવી દેવામાં આવ્યાં છે. રસપ્રદ વાત એ છે કે યોગી આદિત્યનાથના આ સૂત્રનાં પોસ્ટરો મહારાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યાં છે.
જોકે આ પોસ્ટરને કાઉન્ટર કરવા માટે પહેલાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ‘ન બટેંગે, ન કટેંગે; PDA કે સંગ રહેંગે’ એવાં પોસ્ટરો માર્યાં હતાં, પણ હવે તેમણે વધુ એક સ્લોગન સાથે પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું છે જેમાં ‘જુડેંગે તો જીતેંગે’ લખવામાં આવ્યું છે. લખનઉમાં ઠેર-ઠેર આ પોસ્ટરો લગાવી દેવામાં આવ્યાં છે.