12 September, 2022 08:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૉમનવેલ્થ ગેમ્સ માટેની ખરીદીમાં ૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં સીબીઆઇ દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવ્યાને લગભગ ૧૧ વર્ષ બાદ હવે એ સમયના આયોજન કમિટીના મેમ્બર્સ અને અન્ય કેટલાકની વિરુદ્ધ સુનાવણી આવતા મહિનાથી શરૂ થશે. ૨૫ જાન્યુઆરીએ સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ધ્યાને લીધી હતી. અદાલતે આયોજન કમિટીના મેમ્બર્સ એકે સક્સેના, રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, સુરજિત લાલ અને કે ઉદય કુમાર રેડ્ડીની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તાજેતરમાં મંજૂરી આપી હતી. કૉમનવેલ્થ ગેમ્સ માટે અનેક વસ્તુઓ ખૂબ ઊંચી કિંમતે ખરીદાઈ હતી, જેના લીધે સરકારી તિજોરીને ખૂબ જ નુકસાન થયું હતું. આ કેસ એને જ સંબંધિત છે. ચાર્જશીટમાં જીએલ મેરોફૉર્મના ડિરેક્ટર બિનુ નાનુ, ઇન્ડિયન ઍરફોર્સના ભૂતપૂર્વ ગ્રુપ કૅપ્ટન અને સપ્લાયર પ્રવીણ બક્ષી તેમ જ કમ્ફર્ટ નેટ ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સંદીપ વાધવાનું પણ આરોપીઓ તરીકે નામ છે.