06 August, 2024 09:11 AM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
પોલીસે શિવલિંગ પરની ઈંટો હટાવી દીધી હતી
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આવેલા શિવમંદિરમાં શિવલિંગને ઈંટ વડે ચણી દેનારી ૪૫ વર્ષની કૃષ્ણાદેવી અને અન્ય એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે ધાર્મિક લાગણી દૂભવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
લોકોનું કહેવું છે કે આ મહિલાઓની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ લોકોને મંદિરમાં આવતાં રોકતી હતી.
ગ્વાલિયરના સિટી સેન્ટરમાં આવેલા શિવમંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો શિવલિંગનો અભિષેક કરવા ગયા ત્યારે તેમણે શિવલિંગને ઈંટોથી ચણી નાખેલું જોયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કૃષ્ણાદેવી અને બીજી બે મહિલાઓએ આ કૃત્યુ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસ-સ્ટેશને આ મુદ્દે ગુનો નોંધ્યો હતો.
આ સંદર્ભમાં પકડાયેલી કૃષ્ણાદેવીએ પોલીસને કહ્યું હતું કે ‘ભગવાન શિવ મને સપનામાં આવ્યા હતા અને તેમણે શિવલિંગને ઢાંકી દેવાનો આદેશ આપ્યો હતો. ભગવાને કહ્યું હતું કે આ રીતે શિવલિંગને ચણવામાં આવશે તો અંદર શિવલિંગનો વિકાસ થશે અને એ વધશે.’
પોલીસે શિવલિંગ પરની ઈંટો હટાવી દીધી હતી. એ મહિલાઓએ મંદિરની ફરતે બેસાડાયેલી લોખંડની ગ્રિલમાં વીજળીનો કરન્ટ પસાર કરાવ્યો હતો એ પણ દૂર કરવામાં આવ્યો છે.