પૈસા ખાતર નરેન્દ્ર મોદીને મારવા માગતા બિહારીની ધરપકડ

11 April, 2026 08:19 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

અમેરિકન ગુપ્તચર સંસ્થા CIAને ઑફર કરી હતી કે બાવીસ દિવસમાં કામ કરી આપીશ

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય થઈ રહ્યા છે એટલું જ તેમના પર જીવનું જોખમ પણ વધી રહ્યું છે. તાજેતરમાં બિહારના બક્સરની પોલીસે વડા પ્રધાન સાથે સંકળાયેલી માહિતીઓ લીક કરવાના આરોપમાં એક યુવકને પકડ્યો છે. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં બક્સરના યુવકે વિદેશોમાં શંકાસ્પદ લોકો સાથે સંપર્ક કરીને ખાનગી માહિતીઓ શૅર કરવાના બદલામાં પૈસાની માગણી કરી હતી. હાલમાં એક ગુપ્ત જગ્યાએ તેને રાખીને પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી લાંબા સમય સુધી વિદેશી એજન્સીઓના સંપર્કમાં હતો અને રૂપિયાની ડિમાન્ડ સાથે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મેસેજ મોકલાવતો હતો કે તે વડા પ્રધાનની સુરક્ષામાં છીંડું પાડી શકે છે.

આ યુવાનની ઓળખ અમન તિવારી તરીકે થઈ છે જે આશાપડરી ગામનો રહેવાસી છે. આ મામલે પૂછપરછ માટે અન્ય બે યુવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આરોપીઓએ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ની વેબસાઇટ પર પણ એક સંદેશ છોડ્યો હતો જેમાં તેમણે પૈસાના બદલામાં નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની રજૂઆત કરી હતી. આ માટે તેમણે બાવીસ દિવસનો સમયગાળો પણ નક્કી કર્યો હતો.

આ કાવતરાની ગંધ સૌથી પહેલાં કેન્દ્રીય ખુફિયા એજન્સીઓને થઈ હતી. અમનની શંકાસ્પદ ડિજિટલ ઍક્ટિવિટી અને વિદેશી સર્વર પર ડેટા ટ્રાન્સફરના સંકેતો પછી બક્સર પોલીસને અલર્ટ કરવામાં આવી હતી. એ પછી SP શુભમ આર્યના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી અને આરોપીનાં ઠેકાણાં પર દરોડો પાડવામાં આવ્યો હતો. અમન જ્યાંથી પકડાયો ત્યાં લૅપટૉપ, મોબાઇલ અને અનેક ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે. એની હવે ફૉરેન્સિક એક્સપર્ટ્સ તપાસ કરી રહ્યા છે.

અમન તિવારીએ ૨૦૨૨માં કલકત્તા ઍરપોર્ટને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપી હતી. સરકારી સિસ્ટમ હૅક કરવાના પ્રયાસમાં પણ એક વાર તેને પકડવામાં આવ્યો હતો.

narendra modi cia bihar national news news Crime News