બીજેપીના નેતાએ સોનિયા ગાંધીને વિષકન્યા ગણાવ્યાં

29 April, 2023 12:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો, સૂરજેવાલાએ કહ્યું કે કર્ણાટકમાં બીજેપી અને એના લીડર્સે માનસિક અને રાજકીય સંતુલન ગુમાવી દીધું 

સોનિયા ગાંધી

બૅન્ગલોરઃ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કર્યા બાદ હવે કર્ણાટકમાં બીજેપીના વિધાનસભ્ય બસનગૌડા યતનાલે ગઈ કાલે કૉન્ગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિષકન્યા તેમ જ ચીન અને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યાં હતાં. 
બીજેપીના આ લીડરે ગઈ કાલે કોપ્પલમાં કહ્યું હતું કે ‘સમગ્ર દુનિયાએ પીએમ મોદીને સ્વીકાર્યા છે. અમેરિકા લાલ જાજમ સાથે પીએમને આવકારે છે અને તેમણે ગ્લોબલ લીડરનો દરજ્જો હાંસલ કર્યો છે. કૉન્ગ્રેસ તેમની કોબ્રાની સાથે સરખામણી કરી રહી છે અને જણાવે છે કે તેઓ ઝેરી છે. કૉન્ગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીના આદેશ પર નાચે છે અને આવી કમેન્ટ્સ કરે છે. તેઓ વિષકન્યા છે? તેઓ ચીન અને પાકિસ્તાનનાં એજન્ટ છે, જેમણે ભારતને નષ્ટ કર્યું છે.’
કૉન્ગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ સ્ટેટમેન્ટની આકરી ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘દરેક ચૂંટણીમાં તેઓ સોનિયા ગાંધીજીનું અપમાન કરવા નવા અપશબ્દો બોલે છે. સોનિયા સંપૂર્ણપણે ગરિમાની સાથે તેમનું જીવન જીવ્યાં છે. બીજેપી અમારા નેતાઓની વિરુદ્ધ તેમની ગંદી ભાષાની સાથે સતત નિમ્ન સ્તરે જઈ રહી છે.’
કૉન્ગ્રેસના નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું હતું કે ‘કર્ણાટકમાં બીજેપી અને એના લીડર્સે માનસિક અને રાજકીય સંતુલન ગુમાવી દીધું છે.’

national news sonia gandhi congress