પગારમાંથી દર મહિને ૨૫,૦૦૦ રૂપિયા કાપીને પત્નીના અકાઉન્ટમાં નાખો

07 March, 2026 10:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પતિની ઑફિસને સુપ્રીમ કોર્ટનો આદેશ

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના વિવાદના કેસમાં પતિને નોકરી આપનારાને આદેશ આપ્યો છે કે તેમણે તેના પગારમાંથી દર મહિને ૨૫,૦૦૦ રૂપિયા કાપીને આ રકમને તેની પત્નીના અકાઉન્ટમાં સીધી મોકલવી પડશે. પત્ની છેલ્લાં ૪ વર્ષથી પુત્રી સાથે અલગ રહે છે અને પતિએ તેને કોઈ ભરણપોષણ આપ્યું નથી. પરિણામે કોર્ટને આ ચુકાદો આપવાની ફરજ પડી હતી.

ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને કે. વી. વિશ્વનાથનની બેન્ચને જાણ કરવામાં આવી હતી કે આ દંપતી ૨૦૨૨થી અલગ રહે છે. ૨૦૨૪માં મૅજિસ્ટ્રેટે એક વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો જેમાં પતિને તેની પત્ની અને પુત્રીના ભરણપોષણ માટે દર મહિને ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે પતિએ આ આદેશનું પાલન કર્યું નહોતું.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે દંપતીને ૪ વર્ષની પુત્રી છે, જેને પત્ની એકલી ઉછેરી રહી છે. પતિએ ૪ વર્ષમાં બાળકના ભરણપોષણમાં ફાળો આપ્યો નથી કે તેની મુલાકાત લીધી નથી.પત્ની તેના પિતાના મૃત્યુ પછી તેના કાકાના ઘરે એકલી દીકરીનો ઉછેર કરી રહી છે. કોર્ટ હવે એપ્રિલમાં આ કેસની સુનાવણી કરશે.

supreme court national news news