03 January, 2025 04:11 PM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent
ગુરમીત રામ રહીમ સિંહની ફાઇલ તસવીર
ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ચીફ ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh)ની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. વર્ષ ૨૦૦૨માં સીબીઆઈ (CBI)એ રણજીત સિંહ હત્યા કેસમાં રામ રહીમના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી દાખલ કરી છે. જે બાદ કોર્ટે નોટિસ જારી કરી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે CBIની અપીલ પર ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ અને અન્ય ચાર લોકો પાસેથી જવાબ માંગ્યો હતો. આ અપીલમાં ૨૦૦૨ના મર્ડર કેસમાં તેમની નિર્દોષ છૂટ સામે અપીલ કરવામાં આવી હતી.
દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે આ કેસમાં નિર્દોષ છૂટેલા લોકો પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી હતી. જણાવી દઈએ કે સીબીઆઈએ પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana) હાઈકોર્ટ દ્વારા ૨૮ મે, ૨૦૨૪ના રોજ આપેલા આદેશને પડકાર્યો છે, જેમાં પૂર્વ સંપ્રદાયના મેનેજર રણજીત સિંહની હત્યામાં સિંહ અને અન્ય ચારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
શું છે મામલો?
ગુરમીત રામ રહીમ સહિત પાંચ લોકો પર ૧૦ જુલાઈ, ૨૦૦૨ના રોજ રણજીત સિંહની હત્યા કરવાનો આરોપ હતો, જ્યારે તે સાંજે તેના ગામ નજીક ખેતરોમાં કામ કરી રહ્યો હતો. ૧૦ જુલાઈ ૨૦૦૨ની સાંજે સિરસા કેમ્પના મેનેજર રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ એક અનામી પત્ર હોવાનું કહેવાય છે. જેમાં ગુરમીત રામ રહીમ દ્વારા સિરસામાં ડેરા હેડક્વાર્ટરમાં મહિલાઓના યૌન શોષણના આરોપો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એવી શંકા હતી કે તત્કાલીન ડેરા મેનેજર રણજીત સિંહે તે પત્ર જાહેર કર્યો હતો.
આ કેસની તપાસ કરતી વખતે પોલીસે તમામ આરોપીઓને ક્લીનચીટ આપી દીધી હતી. રણજીત ડેરા સચ્ચા સૌદાનો ભૂતપૂર્વ સભ્ય અને મેનેજર છે. આ હત્યા કેસમાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય આરોપીઓને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ હત્યા કેસમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટે ગયા વર્ષે મે ૨૦૨૪માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને રદ કરી દીધો હતો અને રામ રહીમ અને અન્ય ચારને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પહેલા પંચકુલાની સ્પેશિયલ કોર્ટે આ કેસમાં પહેલા સજાની જાહેરાત કરી હતી, જેને બાદમાં હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
આ પહેલા પંચકુલા કોર્ટે ડેરા સચ્ચા સૌદા હત્યા કેસમાં પંચકુલા સીબીઆઈની વિશેષ અદાલતના ગુરમીત રામ રહીમ સિંહ સહિત પાંચ લોકોને સજા સંભળાવી હતી. રામ રહીમ સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુરમીત રામ રહીમ હાલ સાધ્વી સેક્સ કેસમાં રોહતક (Rohtak)ની સુનારિયા જેલ (Sunaria Jail)માં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.