16 July, 2024 08:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં હાલમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું વજન અને શુગર-લેવલ ઘટી રહ્યું છે એ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય સંજય સિંહે કરેલા દાવાઓ બાદ તિહાડ જેલ પ્રશાસને પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે બધું નૉર્મલ છે અને આ જેલ-પ્રશાસનને બદનામ કરવાનો પ્રયાસ છે.
AAPનો આરોપ
સંસદસભ્ય સંજય સિંહે દાવો કર્યો હતો કે કેજરીવાલને પકડવામાં આવ્યા ત્યારે તેમનું વજન ૭૦ કિલોગ્રામ હતું જે હવે ઘટીને ૬૧.૫ કિલોગ્રામ થઈ ગયું છે, આમ તેમનું વજન ૮.૫ કિલોગ્રામ ઘટી ગયું જે ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે, તેમનું શુગર-લેવલ પણ ત્રણ વાર ઘટીને નૉર્મલ લિમિટ કરતાં ઓછું થયું હતું.
તિહાડ જેલનો જવાબ
આ મુદ્દે જેલ-પ્રશાસને જણાવ્યું હતું કે કેજરીવાલ ૧ એપ્રિલે તિહાડ સેન્ટ્રલ જેલ નંબર બેમાં પહોંચ્યા ત્યારે તેમનું વજન ૬૫ કિલોગ્રામ હતું, ૧૦ મેએ તેમને વચગાળાના જામીન મળ્યા હતા, એ દિવસે જ્યારે તેમને જેલમાંથી બહાર જવા દેવામાં આવ્યા ત્યારે તેમનું વજન ૬૪ કિલોગ્રામ હતું, જ્યારે તેમણે ફરીથી જેલમાં સરેન્ડર કર્યું ત્યારે બીજી જૂને તેમનું વજન ૬૩.૫ કિલોગ્રામ હતું અને હાલ કેજરીવાલનું વજન ૬૧.૫ કિલોગ્રામ છે.
જેલના અધિકારીઓએ જેલના મેડિકલ ઑફિસરોને ટાંકીને કહ્યું હતું કે કેજરીવાલનું વજન ઘટવાનું કારણ તેઓ ઓછો ખોરાક અથવા ઓછી કૅલરીવાળો ખોરાક લઈ રહ્યા હશે એવું હોવું જોઈએ, તેઓ કાચા કેદી છે એટલે તેમના પર ચોવીસે કલાક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્લડ-શુગરના મુદ્દે બોલતાં જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમનું શુગર-લેવલ નૉર્મલ છે.
જામીન મેળવવા માટેનો ડ્રામા : BJP
આ બધું જામીન મેળવવા માટેનો ડ્રામા છે એમ જણાવીને BJPના દિલ્હી એકમના ચીફ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે આપના નેતાઓ નાટક કરી રહ્યા છે અને કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે જેથી કેજરીવાલને જામીન મળી શકે.