૧૪ જુલાઈએ, ૪૬ વર્ષ બાદ જગન્નાથ મંદિરના રત્નભંડારના આંતરિક ચેમ્બરને ફરી ખોલવામાં આવે એવી શક્યતા

10 July, 2024 08:16 AM IST  |  Puri | Gujarati Mid-day Correspondent

આ તિજોરી ૪૬ વર્ષ પહેલાં ૧૯૭૮માં ખોલવામાં આવી હતી

ફાઇલ તસવીર

ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના રત્નભંડારમાં સંગ્રહિત મૂલ્યવાન વસ્તુઓની ઇન્વેન્ટરી બનાવવાની દેખરેખ રાખવા માટે રચવામાં આવેલી હાઈ લેવલ કમિટીએ ૧૪ જુલાઈએ તિજોરીની અંદરના ચેમ્બરોને ફરીથી ખોલવા ઓડિશા સરકારને ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. આ તિજોરી ૪૬ વર્ષ પહેલાં ૧૯૭૮માં ખોલવામાં આવી હતી.

આ સંદર્ભમાં પૅનલના એક મેમ્બર જસ્ટિસ વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે ‘પુરીમાં કમિટીની યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિટીએ ૧૪ જુલાઈએ રત્નભંડારની આંતરિક ચેમ્બરને ખોલવાની વિનંતી રાજ્ય સરકારને કરી છે.’

ઓરિજિનલ ચાવીઓ ગાયબ છે એટલે શ્રી જગન્નાથ ટેમ્પલ ઍડ્‍મિનિસ્ટ્રેશનને રત્નભંડારની ડુપ્લિકેટ ચાવીઓ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે તેઓ રથયાત્રામાં વ્યસ્ત હોવાથી ડુપ્લિકેટ ચાવીઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી હવે ૧૪ જુલાઈ પહેલાં રત્નભંડારની ચાવીઓ આપવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. જો ડુપ્લિકેટ ચાવીથી રત્નભંડાર નહીં ખૂલે તો તાળાં તોડવાનો પણ નિર્ણય લેવાયો છે.   

jagannath puri odisha national news