07 October, 2026 06:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસ નેતાઓની બસ રોકી (તસ્વીરો: X)
નવી દિલ્હીમાં વિપક્ષના સાંસદોએ આજે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે સાંસદો ત્રણ બસોમાં જંતર-મંતર જવા માટે નીકળ્યા હતા. જોકે, સુરક્ષાના કારણોસર પોલીસે ભારે પોલીસ બળ તહેનાત કરીને અને બૅરિકેડ્સ લગાવીને રસ્તામાં જ બસોને અટકાવી દીધી હતી.
સાંસદોને લઈ જતી બસોના ટાયરની હવા કાઢી નાખવામાં આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. આ કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આક્રમક વલણ અપનાવ્યું અને રસ્તા પર જ આંદોલન શરૂ કરી દીધું. સ્થળ પર લોકો અને પક્ષના કાર્યકરોની મોટી ભીડ એકઠી થઈ છે, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. દરમિયાન, સાંસદો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
વિપક્ષી પક્ષોએ વિવિધ રાજ્યોમાં હાલમાં ચાલી રહેલી `સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન` (SIR) પ્રક્રિયામાં ગેરરીતિઓનો આરોપ મૂક્યો છે. વિરોધ કરી રહેલા પક્ષો સમગ્ર SIR પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિપક્ષી પક્ષોએ મંગળવારે પણ આ મુદ્દે દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે બુધવારે સાંસદો ફરીથી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે નીકળ્યા, ત્યારે પોલીસના હસ્તક્ષેપ બાદ મુખ્ય રસ્તા પર જ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. વિરોધ કરી રહેલા સાંસદોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.
હરિયાણાના ભિવાની-મહેન્દ્રગઢના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ચૌધરી ધરમબીરના પુત્ર મોહિત ચૌધરીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. મોહિત ચૌધરીએ ખુલાસો કર્યો છે કે દિલ્હીના જંતર મંતર પર જ્યારે જેન-ઝીનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તે પોતાની ઓળખ છુપાવીને ગુપ્ત રીતે વિરોધ-પ્રદર્શનના સ્થળે પહોંચ્યો હતો. મોહિતે મીડિયાને જણાવ્યું હતું કે એ સમયે BJPના સંસદસભ્યનો પુત્ર હોવાની ઓળખ જાહેર ન થાય એ માટે તેણે ખાસ ટોપી અને માસ્ક પહેર્યાં હતાં. ધર્મસેના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિત ચૌધરીએ આ અનોખા કિસ્સા પાછળનાં કારણો સ્પષ્ટ કર્યાં હતાં. જંતર મંતર તેના દિલ્હીના નિવાસસ્થાનથી માત્ર એકાદ કિલોમીટર દૂર છે. મોહિતે કહ્યું હતું કે ‘BJPના સંસદસભ્યનો પુત્ર હોવાના નાતે વિરોધ-પ્રદર્શનની વાસ્તવિક સ્થિતિ જોઈને પિતાને માહિતગાર કરવા એ મારી ફરજ હતી જેથી પિતા સંસદના સત્ર દરમ્યાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે. જો હું પોતાની સાચી ઓળખ સાથે ગયો હોત તો BJPના સંસદસભ્યનો પુત્ર હોવાનું જાણીને પ્રદર્શનકારીઓ વચ્ચે પરિસ્થિતિ વણસી શકી હોત.’