14 February, 2023 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
આજના દિવસે ચાર વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુલવામા (Pulwama)માં આતંકી હુમલો થયો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ, જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે (Srinagar Jammu National Highway) પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ - સીપીઆરએફ (Central Reserve Police Force - CPRF)ના કાફલામાં વિસ્ફોટકો વહન કરતા વાહનને ટક્કર મારી હતી અને આ હુમલામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. આજે આ દુઃખદ ઘટનાને ચાર વર્ષ પુર્ણ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ()એ શહીદોના બલિદાનને યાદ કર્યું છે. તેમજ કેટલાક દિગ્ગજ નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી છે.
પુલવામા હુમલા (Pulwama Attack)ની ચોથી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને યાદ કર્યા. તેમણે કહ્યું કે, ‘અમે અમારા બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ, જેમને અમે આ દિવસે પુલવામામાં ગુમાવ્યા હતા. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી શકતા નથી. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે.’
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું કે, ‘આજે અમે ૪૦ CRPF શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓ પુલવામામાં ગુપ્તચર નિષ્ફળતાને કારણે શહીદ થયા હતા. મને આશા છે કે તમામ શહીદ પરિવારોનું યોગ્ય રીતે પુનર્વસન થયું છે.’
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું છે કે, ‘પુલવામા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને સેંકડો સલામ. આજે આપણે ભારત માતાના બહાદુર સપૂતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.’
ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું, ‘કભી ભૂલેંગે નહીં કભી માફ કરેંગે નહીં. પુલવામા જેહાદી હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનોને લાખો સલામ.’
આ પણ વાંચો - Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. ભારત તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખશે.’
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું છે કે ‘આ સર્વોચ્ચ બલિદાન માટે આપણે બધા હંમેશા તેમના ઋણી રહીશું. જય હિંદ જય ભારત.’
આ પણ વાંચો - પુલવામા આતંકવાદી હુમલાનાં કેમિકલ ઍમેઝૉનથી ખરીદાયેલાં : સીએઆઇટી
નોંધનીય છે કે, આજના દિવસે એટલે કે ચાર વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. જો કે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તેવું પહેલા ક્યારેય બન્યું નથી. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો. આપણા બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપ્યો.