27 September, 2024 07:48 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
તિરુપતિ લાડુ
તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં મંદિરોએ ભક્તો દ્વારા પ્રસાદમાં મીઠાઈ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને એને બદલે તેમણે ભાવિકોને નારિયેળ, ફળ અને સૂકો મેવો લાવવાની અપીલ કરી છે.
શહેરના અલોપશંકરી દેવી, બડે હનુમાન, મનકામેશ્વર મહાદેવ, લલિતાદેવી સહિતનાં મંદિરોએ આ પ્રતિબંધને અમલમાં મૂકી દીધો છે. મનકામેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીજી મહારાજે કહ્યું કે ‘તિરુપતિના વિવાદ બાદ અમે ભક્તોને બહારથી પ્રસાદ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, અમે જિલ્લા મૅજિસ્ટ્રેટને મંદિરની બહારની દુકાનોમાં વેચાતા લાડુ-પેંડાની તપાસ કરવા કહ્યું છે. જ્યાં સુધી આ તપાસનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી બહારના પ્રસાદને મંદિરમાં લાવવાની પરવાનગી નહીં આપીએ. આમ પણ અમે મીઠાઈ કરતાં ફળમાં વધારે માનીએ છીએ.’
જ્યારે બડે હનુમાન મંદિરના મહંત બલબીરગિરિ મહારાજે કહ્યું કે મંદિરના કૉરિડોરનું બાંધકામ પૂરું થયા બાદ મંદિર પ્રશાસને પોતે જ પ્રસાદ બનાવવાનું નક્કી કર્યું છે.