12 May, 2026 03:01 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency)એ મંગળવાર, ૩ મેના રોજ લેવાયેલી NEET UG 2026 પરીક્ષા રદ કરવાની આજે જાહેરાત કરી છે. કેન્દ્રીય એજન્સીઓ અને કાયદા અમલીકરણ સત્તાવાળાઓના સંકલન સાથે કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવેલી ચિંતાજનક બાબતોને ટાંકીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
૧૦ મેની પ્રેસ રિલીઝના અનુસંધાનમાં જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં એજન્સીએ જણાવ્યું હતું કે, પારદર્શિતા જાળવી રાખવા અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતાના રક્ષણ માટે ભારત સરકાર (Indian Government)ની મંજૂરી સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET UG 2026 Cancelled) હવે નવી તારીખો પર ફરીથી આયોજિત કરવામાં આવશે, જેની જાહેરાત સત્તાવાર માધ્યમો દ્વારા અલગથી કરવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના જણાવ્યા અનુસાર, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે ૮ મેના રોજ કેન્દ્રીય એજન્સીઓ પાસે મોકલવામાં આવી હતી. તપાસના તારણો અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવેલા ઇનપુટ્સની સમીક્ષા કર્યા પછી, ટેસ્ટિંગ બોડી એવા નિષ્કર્ષ પર આવી છે કે હાલની પરીક્ષા પ્રક્રિયાને ‘માન્ય રાખી શકાય તેમ નથી.’
એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, જોકે ફરીથી પરીક્ષા લેવાથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડશે, પરંતુ આ પરીક્ષાના પરિણામોને યથાવત રાખવાથી સિસ્ટમ પરના જાહેર વિશ્વાસને ‘વધુ મોટું અને કાયમી નુકસાન’ થઈ શક્યું હોત.
ભારત સરકારે પણ આ પરીક્ષા સાથે જોડાયેલા આરોપોની વિગતવાર તપાસ માટે આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, તેઓ આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ એજન્સીને જરૂરી તમામ રેકોર્ડ, સામગ્રી અને સહાય પૂરી પાડશે.
ઉમેદવારો માટે રાહતના સમાચાર આપતા એજન્સીએ કેટલીક સ્પષ્ટતા કરી છે, જેનાથી વિદ્યાર્થીઓને રાહત મળશે.
વિદ્યાર્થીઓએ ફરીથી લેવાનારી પરીક્ષા માટે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં.
પહેલાથી નોંધાયેલ રજીસ્ટ્રેશન વિગતો અને ઉમેદવારી માન્ય રહેશે.
મે ૨૦૨૬ના પરીક્ષા ચક્ર દરમિયાન પસંદ કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોને જ આગળ વધારવામાં આવશે.
આ માટે કોઈ વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં.
ઉમેદવારો દ્વારા અગાઉ ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે.
આ પુનઃપરીક્ષા NTA ના આંતરિક સંસાધનોનો ઉપયોગ કરીને લેવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જણાવ્યું હતું કે પરીક્ષાની નવી તારીખો અને સુધારેલા એડમિટ કાર્ડનું શેડ્યૂલ તેના સત્તાવાર સંચાર માધ્યમો દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉમેદવારો અને વાલીઓને સોશિયલ મીડિયા પર ફરતી બિન-ચકાસાયેલ માહિતી અથવા અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને તેના બદલે એજન્સી દ્વારા જારી કરવામાં આવતા સત્તાવાર અપડેટ્સને જ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, NEET UG એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ માટે દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે, જેમાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે છે.