11 March, 2021 10:22 AM IST | New Delhi | Agency
ફાઈલ તસવીર
લશ્કરી બળ વધારવાના હેતુથી ભારતે અમેરિકા પાસેથી ૩ અબજ ડૉલર (લગભગ ૨૨,૦૦૦ કરોડ રૂપિયા)ના ખર્ચે ૩૦ સશસ્ત્ર ડ્રોન મેળવવા માટેનો કરાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કરાર હેઠળ ભારત પ્રત્યેક લશ્કરી પાંખ માટે ૧૦, એમ કુલ ૩૦ એમક્યુ-૯બી પ્રીડેટર પ્રકારના ડ્રોન મેળવશે.
પાકિસ્તાન અને ચીન એમ બે દેશ સાથે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોવાથી ભારત આ ડ્રોન મેળવી રહ્યું છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના વડપણ હેઠળ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)ની મીટિંગ દરમ્યાન સશસ્ત્ર ડ્રોનના સોદા મંજૂર કરવામાં આવી શકે છે.
આ સોદાને આગળ વધારવા માટે અમેરિકાના સંરક્ષણ સચિવ લૉયડ ઑસ્ટિન આવતા મહિને ભારતની મુલાકાતે આવે એવી સંભાવના છે. હિન્દ મહાસાગરમાં ચીનના વધી રહેલા પ્રભાવનો સામનો કરવા માટે ભારત અમેરિકાનું સંરક્ષણાત્મક પાર્ટનર બની રહ્યું છે. એમક્યુ-૯બી પ્રીડેટર ડ્રોનનું ઉત્પાદન સૅન ડીએગોસ્થિત જનરલ ઑટોમિક્સ દ્વારા કરવામાં આવશે.