નાગપુર-રાયપુર નૅશનલ હાઇવે પર પૂરઝડપે જઈ રહેલી જીપ આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ, ૯ જણનાં મોત

12 September, 2026 10:37 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

આ આખી ઘટના પેટ્રોલ-પમ્પ પર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં ઝિલાઈ ગઈ હતી

અકસ્માતની તીવ્રતા ખૂબ વધારે હતી જેને કારણે જીપનું ભારે નુકસાન થયું હતું

મહારાષ્ટ્રના લાખની તાલુકામાં પિંપળગાવ નજીક નાગપુર-રાયપુર નૅશનલ હાઇવે પર ગુરુવારે મધરાત બાદ થયેલા એક ગમખ્વાર રોડ-ઍક્સિડન્ટમાં મહિલાઓ અને નાનાં બાળકો સહિત ઓછામાં ઓછા ૯ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત મધરાત બાદ ૩.૩૦ વાગ્યે થયો હતો, જ્યારે પૂરપાટ ઝડપે આવતી જીપે હાઇવેની બાજુમાં આવેલા પેટ્રોલ-પમ્પ પરથી હાઇવે પર આવી રહેલી એક ટ્રકને પાછળથી ટક્કર મારી હતી.

આ આખી ઘટના પેટ્રોલ-પમ્પ પર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં ઝિલાઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર એ જીપ છત્તીસગઢના રાયપુરથી નાગપુર તરફ જઈ રહી હતી ત્યારે પેટ્રોલ-પમ્પ અને ઢાબા નજીક ટ્રક સાથે એની ટક્કર થઈ હતી.

અકસ્માતની તીવ્રતા ખૂબ વધારે હતી જેને કારણે જીપનું ભારે નુકસાન થયું હતું અને એમાં પ્રવાસ કરી રહેલા ૯ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. પોલીસ અને ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ તથા રાહત-કામગીરી શરૂ કરી હતી. મહિલાઓ અને બાળકોનાં મોતને કારણે આ દુર્ઘટનાની ગંભીરતા અને આઘાત વધુ ઘેરો બન્યાં છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ અને તપાસ થઈ રહી છે. 

road accident nagpur raipur national news news maharashtra news maharashtra