✕

CJPના સૌરવ દાસને UK જતાં રોક્યો! LOC જાહેર થતાં દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર

26 November, 2026 04:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૌરવ દાસે તેની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ અમિત મહાજનની અધ્યક્ષતાવાળી બૅન્ચ સમક્ષ થઈ હતી. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને સરકાર પાસે જવાબ માગ્યો છે.

સૌરવ દાસ (તસવીર: મિડ-ડે)

`CJP ના સૌરવ દાસ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર ગુરુવારે દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કાર્યવાહી દરમિયાન, કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે મુંબઈ પોલીસે ૨૩ નવેમ્બરના રોજ સૌરવ દાસ વિરુદ્ધ `લુક આઉટ સર્ક્યુલર` (LOC) જાહેર કર્યો હતો. આ LOCને કારણે જ તેને યુનાઇટેડ કિંગડમ (UK) જતા અટકાવવામાં આવ્યો હતો. સૌરવ દાસે તેની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ અમિત મહાજનની અધ્યક્ષતાવાળી બૅન્ચ સમક્ષ થઈ હતી. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને સરકાર પાસે જવાબ માગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૯ ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના કાર્યક્રમમાં સામેલ થવાની યોજના હતી

સૌરવ દાસ ૨૪ નવેમ્બરની સવારે યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાનો હતો, જ્યાં તેણે `કૉકરોચ મૂવમેન્ટ` (Cockroach Movement) વિશે વાત કરવાની હતી. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, ૨૩ નવેમ્બરની રાત્રે જ્યારે તે લંડન જતી ફ્લાઈટમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતા, ત્યારે દિલ્હી ઍરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર પર તેને રોકી દેવામાં આવ્યો હતા. પરિણામે, તે યુકે જઈ શક્યો નહીં અને ત્યારબાદ આ નિર્ણયને પડકારવા માટે દિલ્હી હાઈ કોર્ટમાં ગયો.

કેન્દ્ર સરકારે LOC જાહેર કરવા પાછળનું કારણ જણાવ્યું

સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને જણાવ્યું કે સૌરવ દાસને LOC અંગે `શો-કોઝ નોટિસ` (કારણ દર્શાવો નોટિસ) આપવામાં આવી હતી. જોકે, તેણે હજી સુધી આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. સૌરવ દાસ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે જણાવ્યું કે, તેમના ક્લાયન્ટને LOC જાહેર કરવા અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી, કે પછી તે પાછળના કારણો કે ઉદ્દેશ્ય વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. દરમિયાન, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ દલીલ કરી હતી કે અરજદારને LOCની નકલ આપી શકાય નહીં.

વિદેશ મંત્રાલયે પણ પાસપોર્ટ અંગે નોટિસ જાહેર કરી

વિદેશ મંત્રાલયે પણ સૌરવ દાસના પાસપોર્ટ અંગે કાર્યવાહી શરૂ કરી છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે તેના પાસપોર્ટ અરજીમાં જન્મસ્થળ અંગે આપેલી માહિતીમાં કથિત ભૂલ જોવા મળી હતી. ત્યારબાદ, ચેન્નઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય (RPO) દ્વારા તેને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ બાબતે સૌરવ દાસ પાસેથી સાત દિવસની અંદર જવાબ માગ્યો છે. વધુમાં, જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા ન આપે ત્યાં સુધી તેને પોતાનો પાસપોર્ટ ન વાપરવા માટે સૂચના આપવામાં આવી છે.

cockroach janata party indian government delhi high court new delhi united kingdom mumbai police national news delhi news