13 May, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુખ્ય ચૂંટણીમુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જાહેરમાં ચર્ચા કરવાનું નિમંત્રણ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વીકાર્યું એનો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉપહાસ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું રાહુલ ગાંધી INDIA ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર છે? શું તેઓ વડા પ્રધાન મોદી જેવા કદની વ્યક્તિ સાથે ડિબેટ કરી શકે છે?
સૌથી પહેલાં જે વ્યક્તિમાં BJPના એક સામાન્ય કાર્યકર સામે ચૂંટણી લડવાની હિંમત નથી તેણે ઘમંડ કરવાથી બચવું જોઈએ એવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું.
રાહુલ ગાંધી અમેઠીમાં ૨૦૧૯માં સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા, પણ કેરલાના વાયનાડમાંથી જીત્યા હતા. આ વખતે વાયનાડમાં મતદાન પૂરું થયા બાદ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની બેઠક રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી.
કોણે આપ્યું ડિબેટનું નિમંત્રણ?
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ મદન બી. લોકુર, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એ. પી. શાહ અને જાણીતા પત્રકાર એન. રામે ડિબેટની વાત કરીને નિમંત્રણ આપ્યું હતું જેનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘હું અથવા કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ડિબેટમાં ચર્ચા કરવા તૈયાર છીએ. અમારી સંબંધિત પાર્ટીઓ પર લગાવવામાં આવેલા કોઈ પણ નિરાધાર આરોપો ખતમ કરવા મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણી લડનારી મુખ્ય પાર્ટીઓના રૂપમાં જનતા સીધા તેમના નેતાઓને સાંભળવાની હકદાર છે. આથી આવી ચર્ચામાં મને અથવા કૉન્ગ્રેસ-પ્રમુખને ભાગ લેવાની ખુશી થશે. કૉન્ગ્રેસ આ પહેલનું સ્વાગત કરે છે. દેશને પણ એ આશા છે કે વડા પ્રધાન પણ આ ડિબેટમાં ભાગ લેશે. હું આ ડિબેટમાં આવવા તૈયાર છું, પણ મને ખબર છે કે વડા પ્રધાન મોદી એમાં નહીં આવે.’