10 January, 2026 10:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કોર્ટની બહારનો નઝારો
દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે ગઈ કાલે રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે તેઓ જ્યારે કેન્દ્રીય રેલવેપ્રધાન હતા ત્યારે નોકરીના બદલામાં જમીન મેળવવાના સ્કૅમમાં આરોપો ઘડ્યા છે. કોર્ટના આ આદેશથી આ હાઈ-પ્રોફાઇલ કેસમાં ટ્રાયલનો માર્ગ ખૂલ્યો છે. લાલુ યાદવે ૨૦૦૪થી ૨૦૦૯ દરમ્યાન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ના સમય દરમ્યાન મહત્ત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું.
આ કેસની સુનાવણી કરતાં સ્પેશ્યલ જજ વિશાલ ગોગને જણાવ્યું હતું કે ‘લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ, પુત્રીઓ મિસા ભારતી અને હેમા યાદવ અને અન્ય ઘણા લોકો સામે ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો સ્પષ્ટ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે.’
લાલુ યાદવ પર ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે તેમના પરિવારના સભ્યો પર ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળ છેતરપિંડી અને કાવતરાના આરોપો છે.
કેસ વિશે બોલતાં જજે કહ્યું હતું કે ‘લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યો ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ તરીકે કાર્ય કરતા હતા અને એક વ્યાપક ષડયંત્રનો ભાગ હતા, જ્યાં ભારતીય રેલવેમાં જાહેર નોકરીનો કથિત રીતે સ્થાવર મિલકતો મેળવવા માટે સોદાબાજીના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટ દર્શાવે છે કે લાલુ યાદવના નજીકના સાથીઓએ સમગ્ર ભારતમાં રેલવેમાં નોકરીઓના બદલામાં જમીનસંપાદનમાં પણ મદદ કરી હતી.
૯૮ - આ કેસના આટલા આરોપી
૫૨ - આટલા આરોપીઓને આરોપમુક્ત કર્યા
૫ - આટલા આરોપીઓનાં મૃત્યુ થયાં
૪૧ - આટલા આરોપીઓ સામે કેસ ચાલશે