15 January, 2023 08:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લલિત મોદી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
બિઝનેસ સમૂહ KK મોદી ફેમિલી ટ્રસ્ટમાં ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદ વચ્ચે લલિત મોદી(Lalit Modi)એ રવિવારે પુત્ર રુચિર મોદી(Ruchir Modi)ની તાત્કાલિક અસરથી તેમના અનુગામી તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લલિત મોદીએ, જેઓ કોરોનાવાયરસ ચેપનો ભોગ બન્યા પછી લંડનમાં હોસ્પિટલમાં દાખલ હતા, તેમણે રૂચિર મોદીને પારિવારિક બાબતોમાં તેમના અનુગામી બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેણે આ અંગે પુત્રી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે.
મોદીએ નિવેદનમાં કહ્યું, "મેં મારી પુત્રી સાથે આ અંગે ચર્ચા કરી છે અને અમારા બંનેનો અભિપ્રાય છે કે હું LKM (લલિત કુમાર મોદી) પરિવારની બાબતોનું નિયંત્રણ અને ટ્રસ્ટમાં મારા ફાયદાકારક હિતોની કમાન મારા પુત્રને સોંપવી જોઈએ." લલિત મોદી પરિવારની અંદરની સંપત્તિના નિયંત્રણને લઈને તેની માતા અને બહેન સાથે ઝઘડામાં ફસાયેલા છે.
આ પણ વાંચો: મીનલના નિધનના 4 વર્ષ બાદ લલિત મોદીને સુષ્મિતા સાથે થયો પ્રેમ, જાણો કોણ છે પહેલી પત્ની
કાનૂની વિવાદને લાંબો, કંટાળાજનક અને મુશ્કેલ ગણાવતા મોદીએ કહ્યું, "તેના સમાધાન માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે પરંતુ તેનો કોઈ અંત નથી. તેનાથી મને ઘણું દુઃખ થયું છે.” ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદીની તબિયત બગડતાં તેમને મેક્સિકો સિટીથી લંડન લાવવામાં આવ્યા છે અને તેમને કૃત્રિમ ઑક્સિજન આપવું પડી રહ્યું છે.
રુચિરને પરિવારમાં પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની સાથે મોદીએ કહ્યું કે પરિવારના ટ્રસ્ટને હવે કોઈ મિલકત કે આવકમાં કોઈ રસ નહીં હોય. જો કે, તેઓ KKMFTના ટ્રસ્ટી તરીકે ચાલુ રહેશે.