૬ કરોડ રૂપિયાનું ૪ કિલો સોનું પહેરીને મહાકુંભમાં આવ્યા છે ગોલ્ડન બાબા

19 January, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિરંજની અખાડાના એસ. કે. નારાયણ ગિરિ ઉર્ફે ગોલ્ડન બાબાના શરીર પર કુલ ૪ કિલોગ્રામ સોનાનાં ઘરેણાં છે

સુવર્ણધારી આ બાબાની ઉંમર ૬૭ વર્ષ છે

પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણીમાં સંગમતટે આસ્થાની ડૂબકી લગાવવા માટે આવેલા વિવિધ સાધુ-સંતોમાં એક બાબા સોનું પહેરીને આવ્યા છે અને તેમના શરીર પર કુલ ૬ કરોડ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં છે. નિરંજની અખાડાના એસ. કે. નારાયણ ગિરિ ઉર્ફે ગોલ્ડન બાબાના શરીર પર કુલ ૪ કિલોગ્રામ સોનાનાં ઘરેણાં છે. તેઓ મૂળ કેરલાના રહેવાસી છે અને હાલમાં દિલ્હીમાં નિવાસ કરે છે. તેઓ શરીર પર સોનાના દાગીનાના કારણે વધારે ચર્ચામાં છે.

સુવર્ણધારી આ બાબાની ઉંમર ૬૭ વર્ષ છે. તેમનું કહેવું છે કે તેમનું બધું સોનું સાધના સાથે સંકળાયેલું છે. આ બાબા એજ્યુકેશન ફીલ્ડમાં કામ કરે છે અને તેમને કોઈ ગોલ્ડન બાબા કહે તો એમાં તેમને કોઈ વિરોધ નથી. તેમને જોતાં જ ભાવિકોની ભીડ ઊભી રહી જાય છે. તેમણે નિરંજની અખાડાના પ્રમુખ રવીન્દ્ર પુરી મહારાજ પાસે દીક્ષા લીધી હતી.

તેમના શરીર પર રહેલાં સોનાનાં ઘરેણાંમાં વીંટી, કંગન અને માળાઓનો સમાવેશ થાય છે. તેમના મોબાઇલનું કવર અને હાથમાં રહેલી છડી સોનાની છે. તેમની છડીમાં અલગ-અલગ દેવી-દેવતાઓનાં મોટાં-મોટાં લૉકેટ છે અને એ તમામ સોનાનાં છે. એને તેઓ સાધના અને ધાર્મિક જીવનનું પ્રતીક માને છે. તેમનાં છ લૉકેટમાંથી ૨૦ સોનાની માળા બની શકે એમ છે. દરેક ઘરેણામાં આધ્યાત્મિક શક્તિ સમાયેલી છે. તેઓ આ લૉકેટ અને ઘરેણાં દેખાડવા માટે નહીં પણ આસ્થા, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સાધનાના પ્રતીક રૂપે પહેરે છે.

kumbh mela prayagraj ayodhya national news news uttar pradesh