20 December, 2022 11:43 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સાવરકરના ફોટોની સામે વિરોધ કરતા કૉન્ગ્રેસના નેતા સિદ્ધારમૈયા તેમ જ અન્ય નેતાઓ. અને વિધાનસભામાં ગઈ કાલે લગાડવામાં આવેલા સાવરકરના આ ફોટોને લઈને થયો હતો વિવાદ.
બૅન્ગલોર : કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકરનો ફોટો લગાડવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. એક તરફ સરકારના આ નિર્ણયનો કૉન્ગ્રેસ જોરદાર વિરોધ કરી રહી છે તો બીજી તરફ બીજેપી કૉન્ગ્રેસના વિરોધને ‘ગંદી રાજનીતિ’નું નામ આપી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેસર હેગડે કાગેરી અને રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ ગઈ કાલે કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટોનું અનાવરણ કર્યું હતું, જેમાં મહાત્મા ગાંધી, બસવન્ના, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલ તેમ જ સ્વામી વિવેકાનંદના ફોટોનો પણ સમાવેશ થાય છે.
કૉન્ગ્રેસના વિરોધનો જડબાતોડ જવાબ આપતાં બીજેપીએ કહ્યું હતું કે વિધાનસભામાં ફોટો લગાડવાનું કામ હજી પૂરું નથી થયું. ભવિષ્યમાં અહીં અનેક નેતાઓના ફોટો મૂકવામાં આવશે. ફોટોને અનાવરિત કરતાં બીજેપીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસે વીર સાવરકરના ફોટો પર રાજનીતિ ન કરતાં એનું સ્વાગત કરવું જોઈએ. કૉન્ગ્રેસનું આ કૃત્ય નિંદનીય છે. એક દિવસ પહેલાં જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આ બીજેપીનો એજન્ડા હોવાનું જણાવી વીર સાવરકરને વિવાદિત શખ્સ તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વીર સાવરકર મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતા. કેટલાક દિવસ પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઊભો થયો હતો.