12 June, 2024 07:13 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત, વરુણ ધવન, અનુપમ ખેર
બૉલીવુડ ઍક્ટ્રેસ અને નવનિર્વાચિત સંસદસભ્ય કંગના રનૌત, ઍક્ટરો અનુપમ ખેર, વરુણ ધવન અને સિદ્ધાર્થ આનંદે રિયાસીમાં તીર્થયાત્રીઓ પર કરવામાં આવેલા આતંકવાદી
હુમલાને વખોડી કાઢ્યો હતો અને આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. રવિવારે સાંજે થયેલા આ હુમલામાં ૯ યાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૩૩ જણ ઘાયલ થયા હતા.
કંગના રનૌતે ઍક્સ પર લખ્યું હતું કે હું જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરું છું. હું જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના કરું છું અને ઘાયલો જલદી સાજા થાય એવી આશા રાખું છું, ઓમ શાંતિ. વરુણ ધવને આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરતાં પોતાનું દુ:ખ અને સંવેદના ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી હતી અને દિવંગત આત્માઓની શાંતિ અને તેમના પરિવારો માટે સાંત્વનાની પ્રાર્થના કરી હતી.
૨૦૧૯માં પુલવામા હુમલાથી પ્રેરાઈને ‘ફાઇટર’ ફિલ્મનું દિગ્દર્શન કરનારા સિદ્ધાર્થ આનંદે એક પોસ્ટ મૂકી હતી જે ઇમેજમાં લખ્યું હતું કે દરેકની આંખો વૈષ્ણોદેવીમાં થયેલા આતંકવાદી હુમલા પર છે. આ ધિક્કારપાત્ર, દુષ્ટ, અક્ષમ્ય હુમલો છે જેમાં નિર્દોષ યાત્રાળુઓ અને બાળકોની કાયરો દ્વારા હત્યા કરવામાં આવી છે. અનુપમ ખેરે દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે રિયાસીમાં તીર્થયાત્રીઓ પર કાયરતાપૂર્વક હુમલાથી ગુસ્સો આવ્યો, દર્દ થયું અને દુખી થયો છું. ભગવાન પીડિતોના પ્રિયજનોને દર્દ અને નુકસાન સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો જલદી સાજા થાય એવી પ્રાર્થના છે.