આપણા જવાનો માટે ‘પિટાઈ’ શબ્દ ન વાપરવો જોઈએ

20 December, 2022 11:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીન મામલે વિદેશપ્રધાન જયશંકરે રાહુલ ગાંધીની કરી ટીકા

લોકસભામાં ચીન મામલે જવાબ આપતા વિદેશપ્રધાન એસ. જયશંકર. અને રાહુલ; ગાંધી

નવી દિલ્હી : ભારતના જવાનો માટે ‘પિટાઈ’ અર્થાત્ ફટકારવા જેવા શબ્દના ઉપયોગ માટે વિદેશપ્રધાન એસ જયશંકરે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. વિદેશપ્રધાને લોકસભામાં કહ્યું હતું કે અમને વિપક્ષોની ટીકા સામે કોઈ વાંધો નથી, પરંતુ આપણે જવાનોનું અપમાન ન કરવું જોઈએ. આપણા સૈનિકો માટે પિટાઈ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.’ નવમી ડિસેમ્બરે તવાંગમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ વિશે રાહુલ ગાંધીએ વક્તવ્ય આપ્યું હતું. કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે ચીન આપણા સૈનિકોની પિટાઈ કરી રહ્યું હતું. 

લોકસભામાં વિદેશપ્રધાને કહ્યું હતું કે ‘અમને રાજકીય ટીકા સામે કોઈ વાંધો નથી, પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ. આપણે આપણા સૈનિકોની કોઈ પણ રીતે ટીકા ન કરવી જોઈએ. આપણા જવાનો તવાંગમાં ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈ પર છે તેમ જ સરહદની રક્ષા કરી રહ્યા છે. એટલે તેમનું સન્માન અને પ્રશંસા થવી જોઈએ. જો આપણે ચીન પ્રત્યે ગંભીર ન હોત તો સરહદ પર સૈનિકોને મોકલ્યા જ નહોત. જો ચીનને ગંભીરતાથી ન લીધું હોત તો આપણે સૈનિકોને પાછા બોલાવી લીધા હોત. વળી આપણે જાહેરમાં જ કહીએ છીએ કે બન્ને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી.’ 

તામિલનાડુના માછીમારોની સમસ્યા પર વિદેશપ્રધાને કહ્યું હતું કે ‘૨૦૧૪થી શ્રીલંકાએ ૨૮૩૫ માછીમારોને છોડ્યા છે. આ સમસ્યા પર વડા પ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ઘણી વખત વાતચીત કરી છે. શ્રીલંકાના માછીમારોને છોડી રહ્યા છીએ તો એનો અર્થ એવો નથી કે ચેન્નઈમાં બેસેલી કોઈ વ્ય​​ક્તિ કોલંબોને પત્ર લખી રહી છે, પરંતુ એવું એટલા માટે થઈ રહ્યું છે, કારણે કે દિલ્હીમાં બેસેલી કોઈ વ્ય​ક્તિ આ મુદ્દાને ઉઠાવી રહી છે.’

national news rahul gandhi indian army china new delhi