ઇસરો નાસાથી પણ ચડિયાતું પુરવાર થયું

02 January, 2024 09:16 AM IST  |  Sriharikota | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન સ્પેસ એજન્સીએ એના પહેલાં એક્સ-રે પોલૅરિમીટર સૅટેલાઇટ લૉન્ચ કર્યો, અમેરિકન સ્પેસ એજન્સીના મિશન કરતાં ખર્ચ ઓછો થયો છે અને મિશન લાઇફ પણ વધુ છે

શ્રીહરિકોટામાં ગઈ કાલે સ્પેસપોર્ટ પરથી એક્સ-રે પોલૅરિમીટર સૅટેલાઇટ અને અન્ય દસ સૅટેલાઇટ્સને લઈને ઉડાન ભરી રહેલું ઇસરોનું પીએસએલવી-સી58. પી.ટી.આઇ.

શ્રીહરિકોટા (પી.ટી.આઇ.) : ઇસરોએ ગઈ કાલે નવા વર્ષના પહેલા દિવસની શાનદાર શરૂઆત કરી હતી. બ્લૅક હોલ્સ જેવા બ્રહ્માંડમાં રહસ્યમય ઑબ્જેક્ટ્સ વિશે ઊંડી સમજ મેળવવા માટે ઇસરોએ ગઈ કાલે એના પહેલા એક્સ-રે પોલૅરિમીટર સૅટેલાઇટને સક્સેસફુલી લૉન્ચ કર્યો હતો. આ સાથે જ બ્લૅક હોલ્સનો આ પ્રકારે સ્ટડી કરવા માટે સ્પેશ્યલાઇઝ્ડ મિશન પાર પાડનારો અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે. જોકે ઇસરોના સાયન્ટિસ્ટ્સ પ્રશંસાને પાત્ર છે, કેમ કે અમેરિકન સ્પેસ એજન્સીના મિશન કરતાં ઇન્ડિયન સ્પેસ એજન્સીના મિશનમાં ખર્ચ ઓછો થયો છે અને મિશન લાઇફ પણ વધુ છે.

બ્લૅક હોલ ખૂબ જ પાવરફુલ મનાય છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં અનેક સૂરજ જેટલી એનર્જી હોય છે. બ્લૅક હોલમાંથી ખૂબ જ પાવરફુલ ગુરુત્વાકર્ષણ શોક વેવ્સ નીકળે છે, જ્યાં કોઈ પણ વસ્તુ નષ્ટ પામે છે. એની ગુરુત્વાકર્ષણની તાકાતનો અંદાજ એ વાતથી આવે છે કે એમાંથી પ્રકાશ પણ બહાર નથી નીકળતો. 
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં ફર્સ્ટ લૉન્ચ પૅડ પરથી પહેલાંથી ફિક્સ્ડ કરવામાં આવેલા સવારે ૯.૧૦ વાગ્યાના સમયે ઉડાન ભર્યા બાદ ઇસરોના હંમેશાંથી વિશ્વાસજનક પોલાર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલે એના સી58 મિશનમાં પ્રાઇમરી એક્સ-રે પોલૅરિમીટર સૅટેલાઇટ એક્સપોસૅટને ૬૫૦ કિલોમીટરની નિમ્ન ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો હતો. બાદમાં સાયન્ટિસ્ટ્સે એક્સપેરિમેન્ટ કરવા માટે એની ઊંચાઈ ઘટાડીને ૩૫૦ કિલોમીટર કરી હતી.

૨૦૨૪ની પહેલી જાન્યુઆરીએ પીએસએલવીનું વધુ એક સક્સેસફુલ મિશન પાર પાડવામાં આવ્યું છે. પીએસએલવી-સી58એ પ્રાઇમરી સૅટેલાઇટ એક્સપોસૅટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો છે. ફાઇનલ સ્ટેજમાં રૉકેટ નિમ્ન ભ્રમણકક્ષામાં જશે. 
એસ. સોમનાથ, ઇસરોના ચૅરમૅન 

પચીસ કલાકનું કાઉન્ટડાઉન સમાપ્ત થતાં ૪૪.૪ મીટર ઊંચું રૉકેટ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના તાળીઓના ગડગડાટ વચ્ચે શાનદાર રીતે આકાશની તરફ આગળ વધ્યું હતું.
અમેરિકાની નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)એ આ જ પ્રકારનો સ્ટડી - ધ ઇમેજિંગ એક્સ-રે પોલૅરિમીટરી એક્સપ્લોરર મિશન ડિસેમ્બર ૨૦૨૧માં પાર પાડ્યું હતું, જેનો હેતુ સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લૅક હોલ્સમાંથી ઉત્સર્જિત થતા હાઈ-એનર્જી ફોટોન્સ અને અન્ય બ્રહ્માંડની ઘટનાઓનો સ્ટડી કરવાનો હતો. 
ઇસરોએ જાહેરાત કરી હતી કે સૅટેલાઇટની સોલાર પૅનલ્સને સક્સેસફુલી તહેનાત કરવામાં આવી છે. 
એક્સ-રે ફોટોન્સ અને તેમના ધ્રુવીકરણનો ઉપયોગ કરીને એક્સપોસૅટને બ્લૅક હોલ્સ અને ન્યુટ્રોન્સ સ્ટાર્સ પાસે રેડિયેશનનો સ્ટડી કરવામાં મદદ મળશે, જેના બે ભાગ-પોલિક્સ (પોલૅરિમીટર ઇન્સ્ટ્રુમેન્ટ) અને એક્સપેક્ટ (એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઇમિંગ) છે. પોલિક્સને રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાયું છે, જ્યારે એક્સપેક્ટને બૅન્ગલોરના યુ. આર. રાવ સૅટેલાઇટ સેન્ટર દ્વારા બનાવાયું છે. 

250
એક્સપોસૅટ સૅટેલાઇટનો અંદાજે આટલા કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 

મિશન ડિરેક્ટર જયકુમાર એમએ કહ્યું હતું કે ‘POEM 3 એક્સપેરિમેન્ટમાં રજૂ કરવામાં આવેલી નવી ટેક્નૉલૉજીસે પર્ફોર્મ કર્યું છે, એનાથી આ મિશન વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે. અમારી પાસે ફ્યુઅલ સેલ છે, અમારી પાસે સિલિકૉન આધારિત હાઈ એનર્જી બૅટરી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જેમાંથી એક સૅટેલાઇટને સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હું માનું છું કે જે સાયન્સ અને ટેક્નૉલૉજીના ફીલ્ડમાં મહિલા સશક્તીકરણ સૂચવે છે.’ 

એક્સ-રે દ્વારા સ્પેસના સીક્રેટ્સ જાણવાનું મિશન
ઇસરો અનુસાર, એક્સ-રે પોલૅરિમીટર સૅટેલાઇટ સ્પેસ ડિટેક્ટિવ જેવું છે, જે સ્પેસમાં મોટા પાયે એક્સ-રે રેડિયેશનના સોર્સિસના સ્ટડી પર ફોકસ કરતું ઇસરોનું પહેલું સ્પેશ્યલ સૅટેલાઇટ છે. આ સોર્સિસ પાવરફુલ સ્પેસ લાઇટ્સ જેવા છે, જે ખૂબ જ મોટા પ્રમાણમાં એક્સ-રેનું ઉત્સર્જન કરે છે. એક્સપોસૅટની કામગીરી એક્સ-રેની દિશા તેમ જ એની પ્રૉપર્ટીઝનો સ્ટડી કરવાનો છે. એ એક્સ-રેનો સ્ટડી કરીને સ્પેસના સીક્રેટ્સ વિશે જાણવા જેવું છે.

1564.50
ડિસેમ્બર ૨૦૨૧માં નાસાના આવા જ મિશનનો ખર્ચ આટલા કરોડ રૂપિયા થયો હતો.

national news indian space research organisation nasa sriharikota