28 October, 2023 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરહોલ્ડર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની આ કંપનીના નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. કંપનીએ ગઈ કાલે એક સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત જણાવી હતી.
આ કંપનીની ૪૬મી ઍન્યુઅલ જનરલ મીટિંગમાં ભારતમાં સૌથી વધુ વૅલ્યુએબલ પ્રાઇવેટ સેક્ટરની કંપનીના ઉત્તરાધિકાર પ્લાનિંગ વિશે ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમનાં ત્રણ સંતાનો - પુત્રો આકાશ અને અનંત અને દીકરી ઈશા તમામ બિઝનેસનું આત્મવિશ્વાસપૂર્વક સુકાન સંભાળી રહ્યાં છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ‘આકાશ અને ઈશાએ અનુક્રમે જિયો અને રીટેલમાં લીડરશિપ સંભાળી છે. તેઓ શરૂઆતથી જ અમારા કન્ઝ્યુમર બિઝનેસમાં પૅશનેટલી સંકળાયેલાં રહ્યાં છે. અનંત પણ અમારા નવા એનર્જી બિઝનેસમાં ખૂબ ઉત્સાહથી જોડાયો છે. વાસ્તવમાં તે મોટા ભાગે જામનગરમાં રહે છે. આ ત્રણેયને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીનું માઇન્ડસેટ વારસામાં મળ્યું છે.’
કોને કેટલા મત મળ્યા?
ફાઇલિંગમાં જોવા મળ્યું છે કે ૩૨ વર્ષના ટ્વિન્સ ઈશા અને આકાશને રિલાયન્સના બોર્ડમાં નિમણૂક થવા માટે ૯૮ ટકાથી વધુ મત મળ્યા છે, જ્યારે ૨૮ વર્ષના અનંતને ૯૨.૭૫ ટકા મત મળ્યા છે.