31 October, 2024 01:35 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ કી પૈડી પર ભવ્ય લેઝર શો
અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ ગઈ કાલે રામલલાની ઉપસ્થિતિમાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં બે વર્લ્ડ રેકૉર્ડ કરવામાં આવ્યા હતા. પહેલો રેકૉર્ડ હતો એકસાથે ૨૫,૧૨,૫૮૫ દીવડાઓ પ્રગટાવવાનો અને બીજો હતો ૧૧૦૦ બાળકોએ એકસાથે સરયૂ નદીના કાંઠે કરેલી મહાઆરતીનો. જોકે મહાઆરતીનો રેકૉર્ડ મંગળવારે સાંજે કરવામાં આવ્યો હતો. આ બન્ને રેકૉર્ડ બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સર્ટિફિકેટ પણ આપ્યાં હતાં.
ગઈ કાલે સાંજે છ વાગ્યે રામ કી પૈડી પર દીવડા પ્રગટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને અડધો કલાકની અંદર જ બધા દીવડા પ્રગટાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાં હાજર રહેલા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ ડ્રોનની મદદથી ગણતરી શરૂ કરી હતી અને એકસાથે ૨૫,૧૨,૫૮૫ દીવડા પ્રગટાવવાનો નવો વર્લ્ડ રેકૉર્ડ થયો હોવાની જાહેરાત પણ કરી હતી. આ પહેલાં ગયા વર્ષે દીપોત્સવ દરમ્યાન ૨૨,૩૦,૦૦૦ દીવડા પ્રગટાવવાનો રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.
દીપોત્સવ જોવા માટે દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો દુલ્હનની જેમ સજાવવામાં આવેલી અયોધ્યા નગરી પહોંચી ગયા હતા. સંત સમાજ દીપોત્સવ જોઈને બહુ જ ખુશ થઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે અયોધ્યાની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને પુનર્જીવિત કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે દીપોત્સવ પ્રસંગે કહ્યું હતું કે ‘જે લોકોએ રામ કી પૈડી પર ગંદા જળથી આચમન કરાવ્યું હતું તેઓ પણ આજે રામ-રામ કરી રહ્યા છે. અમુક લોકો રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા હતા. જોકે એ સવાલ રામના અસ્તિત્વ પર નહીં, સનાતન અને તમારા પૂર્વજો પર હતો. સનાતન અને વિકાસના કામમાં રોડા નાખનારાઓની માફિયાઓ જેવી દુર્ગતિ થશે.’
યોગી આદિત્યનાથ દ્વારા દીપદાન
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘મથુરા અને કાશી પણ અયોધ્યા જેવાં દેખાવાં જોઈએ. જે રીતે અયોધ્યામાં ચારે તરફ શ્રીરામના નારા ગુંજી રહ્યા છે એ જ રીતે ત્યાં પણ જય શ્રીકૃષ્ણ અને હરહર મહાદેવના નારા ગુંજતા સાંભળવા મળશે.’
આ પહેલાં ગઈ કાલે બપોરે અયોધ્યા પહોંચેલા યોગી આદિત્યનાથે પહેલાં ભગવાન રામ-સીતાનો રથ ખેંચ્યો હતો અને ત્યાર બાદ ભગવાન રામને રાજતિલક કર્યું હતું. તેમણે રામમંદિર જઈને રામલલાનાં દર્શન કર્યાં હતાં તેમ જ સાંજે સરયૂના તટ પર આરતી પણ કરી હતી. દીપોત્સવ વખતે તેમણે દીપદાન પણ કર્યું હતું. અયોધ્યાના આકાશમાં ડ્રોનની મદદથી લેઝર-શો પણ કરવામાં આવ્યો હતો જેમાં પંદર મિનિટ સુધી રાવણવધ, પુષ્પક વિમાન, રામમંદિર સહિતના શો બતાવવામાં આવ્યા હતા.
સવારના સમયે ઝાંખી જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
૧૦,૦૦૦ દીવાની જ્યોતના પ્રકાશમાં અક્ષરધામ ઝળહળી ઊઠ્યું
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે અક્ષરધામમાં એકસાથે ૧૦,૦૦૦ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. હજારો દીવાઓની ઝળહળતી જ્યોતના પ્રકાશમાં અક્ષરધામ ઝળહળી ઊઠ્યું હતું. અક્ષરધામમાં ગઈ કાલથી દીપોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અક્ષરધામમાં પ્રગટેલા હજારો દીવડાઓની રોશનીએ નયનરમ્ય નજારો સરજ્યો હતો. દીવડાઓની સાથે ગ્લો ગાર્ડને પણ હરિભક્તોમાં આકર્ષણ પૂરું પાડ્યું હતું. ૮ નવેમ્બર સુધી દરરોજ સાંજે ૬થી ૭.૪૫ વાગ્યા દરમ્યાન દીવડાઓ પ્રગટાવવામાં આવશે. તસવીર : જનક પટેલ