પત્નીની હત્યા કરીને મૃતદેહ ધાબળામાં લપેટીને પતિ ફરાર

11 November, 2020 02:38 PM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

પત્નીની હત્યા કરીને મૃતદેહ ધાબળામાં લપેટીને પતિ ફરાર

પ્રતીકાત્મક તસવીર

ગુરુગ્રામમાં હત્યાનો એક વિચિત્ર બનાવ બન્યો છે. ગુરુગ્રામના અશોક વિહારમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ લાશને ધાબળામાં લપેટીને ફરાર થઈ ગયો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતા નિવૃત્ત પોલીસ કર્મચારી અને મકાનમાલિકે સેક્ટર-પાંચના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરના તાળા તોડી લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મૂળ નેપાળની રહેવાસી નયના સુનવર અશોક વિહાર ગલી નંબર પાંચમા નિવૃત્ત પોલીસ કર્મચારી સુખપાલના ઘરના પહેલા માળે પતિ સાથે ભાડા પર રહેતી હતી. નૈનાનો પતિ ભારત થાપા છોટૂ રામ ચોક પર ચાઉમીન બર્ગરની રેકડી ચલાવતો હતો. છેલ્લા ચાર દિવસથી નૈનાની રૂમ પર તાળું લાગેલું હતું. મંગળવારે સુખપાલ જ્યારે પહેલા માળની ગેલેરીમાં આંટા મારતો હતો ત્યારે તેને ખૂબ ગંધ આવી. જ્યારે તેણે ઓરડામાં જોયું તો કોઈ ધાબળો ઓઢીને સૂતેલું દેખાયું હતું. ત્યારે આ અંગે તેમણે સેક્ટર-પાંચના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ ધરનું તાળું તોડી અંદર ઘુસી હતી. જોયું તો નયનાના ગળા પર પટ્ટાનો નિશાન હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે નૈનાનો પતિ ભરત થાપા પણ ચાર દિવસથી ગુમ હતો. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મૃતદેહ જોઈને અંદાજો લગાવી શકાય કે તે લગભગ ચાર દિવસ જુનો હતો. આવી સ્થિતિમાં, એવું અનુમાન કરવામાં આવે છે કે કોઈ પણ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હશે અને પછી ભારતે નૈનાનું ગળું દબાવ્યું હશે. પોલીસને ટાળવા તેણે મૃતદેહને પલંગ પર બેસાડી દીધો અને તેના ઉપર એક ધાબળો ઓઢાડી દીધો જેથી દરેકને લાગે કે અંદર કોઈ સૂઈ રહ્યું છે. પછી તે તાળું મારીને ફરાર થઈ ગયો છે.

national news Crime News gurugram