24 February, 2025 05:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને ટ્રમ્પના વિરોધીઓ પર વરસી પડ્યાં ઇટલીનાં વડાં પ્રધાન મેલોની
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા જમણેરી ઝોક ધરાવતા નેતાઓ માટે ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા લેફ્ટ લિબરલ નેટવર્કના નેતાઓની આકરી ટીકા કરી હતી. શનિવારે વૉશિંગ્ટનમાં કન્ઝર્વેટિવ પૉલિટિકલ ઍક્શન કૉન્ફરન્સ (CPAC)માં વિડિયો લિન્કથી ભાગ લેતાં મેલોનીએ એલીટ અને ડાબેરી વિચારસરણી ધરાવતા રાજનેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ વડા પ્રધાન મોદી અને પ્રેસિડન્ટ ટ્રમ્પને લોકશાહી માટે ખતરો ગણાવે છે.
ડાબેરી નેતાઓને હતાશ ગણાવીને મેલોનીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પના ઉદય બાદ તેમની હતાશા ઉન્માદમાં બદલાઈ ગઈ છે. ડાબેરીઓ ગભરાઈ ગયા છે. ટ્રમ્પની જીતથી તેઓ પાગલ જેવા થઈ ગયા છે. જમણેરી નેતાઓ જીતી રહ્યા છે. એટલું જ નહીં, પણ તેઓ વૈશ્વિક સ્તરે સહયોગ પણ કરી રહ્યા છે.
લોકો ભરોસો કરતા નથી
૯૦ના દાયકાની વાત કરતાં મેલોનીએ કહ્યું હતું કે ‘જ્યારે બિલ ક્લિન્ટન અને ટોની બ્લેર જેવા નેતાઓએ ૯૦ના દાયકામાં વિશ્વભરમાં લેફ્ટ લિબરલ નેટવર્ક તૈયાર કર્યું ત્યારે તેમને સ્ટેટ્સમેન કહેવામાં આવ્યા. આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, મોદી બોલે છે તો તેમને લોકશાહી માટે ખતરા સમાન ગણાવવામાં આવે છે. આ ડબલ સ્ટાન્ડર્ડ છે. અમે સમજી ગયા છીએ, લોકો પણ હવે તેમના જૂઠ પર ભરોસો કરતા નથી. તેઓ અમારા પર ભલે ગમે એટલો કીચડ ઉછાળે, નાગરિકો અમને જ મત આપતા રહે છે.’
ટ્રમ્પ મજબૂત નેતા
ઇટલીનાં વડાં પ્રધાન મેલોનીએ ડોનલ્ડ ટ્રમ્પને મજબૂત નેતા ગણાવીને કહ્યું હતું કે ‘તેમના જીતવાથી રૂઢીવાદી નેતાઓમાં વિભાજન પેદા થશે એવી આશંકાઓ હતી, પણ એ દૂર થઈ ગઈ છે. અમારા વિરોધીઓને એવી આશા છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પ અમારાથી દૂર જતા રહેશે, પણ તેઓ એક મજબૂત નેતા તરીકે બહાર આવ્યા છે. હું શરત લગાવું છું કે જે લોકો વિભાજનની આશા રાખે છે તેઓ ખોટા સાબિત થશે.’