30 August, 2022 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા ગુલામ નબી આઝાદ
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ગઈ કાલે તેમના જૂના પક્ષ અને તેના લીડર્સ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે બીમાર કૉન્ગ્રેસને દુઆની નહીં દવાની જરૂર છે, પરંતુ એનો ઇલાજ કમ્પાઉન્ડર કરી રહ્યો છે.
કૉન્ગ્રેસને બીમાર ગણાવતાં તેમણે આડકતરી રીતે રાહુલ ગાંધી પર આરોપ મૂકતાં કહ્યું હતું કે ‘હું તો માત્ર દુઆ જ કરી શકું છું, પરંતુ મારી દુઆથી તો કૉન્ગ્રેસ ઠીક નહીં થાય. એના માટે દવા જોઈએ, પણ એના માટેના જે ડૉક્ટર છે તે હકીકતમાં ડૉક્ટર નહીં ,પણ કમ્પાઉન્ડર છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળેલા હોવાના આક્ષેપ પર તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના વળતો આરોપ મૂક્યો હતો કે સંસદમાં ભાષણ આપ્યા પછી વડા પ્રધાનને ગળે મળે તે મોદી સાથે મળેલા કહેવાય કે નહીં? વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કૉન્ગ્રેસનો પાયો નબળો પડી ગયો છે અને એ ક્યારે પણ તૂટી શકે છે. ગુલામ નબી આઝાદે શુક્રવારે પાર્ટીના સભ્યપદ તથા તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. કૉન્ગ્રેસના નેતાઓ આંતરિક ચૂંટણીના નામે ધોખો આપે છે એમ જણાવતાં તેમણે રાહુલ ગાંધી પર અપરિપક્વ અને બાલિશ વ્યવહારનો આક્ષેપ કર્યો હતો.
કૉન્ગ્રેસે તેમના પર પાર્ટી સાથે દગો કરવાનો આરોપ મૂકી તેમનું ડીએનએ મોદીમય થયું હોવાનું કહેતાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે મોદીનું તો માત્ર બહાનું છે, વાસ્તવમાં ઑગસ્ટ, ૨૦૨૦માં ‘ઝી ૨૩’ તરફથી પત્ર લખ્યા બાદથી તેઓ કૉન્ગ્રેસના નેતાઓની આંખમાં ખટકી રહ્યા છે.
કૂવામાં કૂદી જઈશ, પણ કૉન્ગ્રેસમાં નહીં જ જોડાઉં : ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે ખાતાના પ્રધાન નીતિન ગડકરી તેમના સ્પષ્ટ વક્તા તેમ જ ભાષણો માટે જાણીતા છે. ફરી એક વાર તેમના સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે તેઓ સમાચારોમાં ઝળક્યા છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે હું કૂવામાં કૂદી જઈશ, પણ કૉન્ગ્રેસમાં તો નહીં જ જોડાઉં.
નીતિન ગડકરીએ ભૂતકાળ વાગોળતાં કહ્યું હતું કે ‘તેઓ જ્યારે સ્ટુડન્ટ નેતા હતા ત્યારે કૉન્ગ્રેસી નેતા શ્રીકાંત જિચકરે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે કૉન્ગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી. જોકે મેં તેમને જવાબ આપ્યો હતો કે મને કૉન્ગ્રેસની વિચારધારા પસંદ નથી. હું કૂવામાં કૂદી જઈશ, પણ કૉન્ગ્રેસમાં તો નહીં જ જોડાઉં. કોઈ વ્યક્તિ હારવાથી ખતમ નથી થતો, પરંતુ જો હાર માની લેવામાં આવે તો તેને ખતમ થતા વાર નથી લાગતી.’ તેમણે ઉદ્યોગપતિઓની મીટિંગમાં કહ્યું હતું કે ‘કોઈ પણ ક્ષેત્ર હોય, માનવીય તાકાત હંમેશાં મહત્ત્વની હોય છે. આથી કોઈનો ઉપયોગ કર્યા બાદ તેને છોડી ન દેવો જોઈએ. દિવસો સારા હોય કે ખરાબ, કોઈનો હાથ પકડ્યા પછી એ છોડવો ન જોઈએ.’