05 September, 2022 10:20 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
ગુલામ નબી આઝાદ
જમ્મુ (એ.એન.આઇ.)ઃ ગુલામ નબી આઝાદે કૉન્ગ્રેસ છોડ્યા બાદ જમ્મુમાં તેમની પ્રથમ જાહેરસભામાં તેમની પોતાની પૉલિટિકલ પાર્ટી લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી.
આઝાદે કહ્યું હતું કે ‘મેં હજી
સુધી મારી પાર્ટી માટે કોઈ નામ નક્કી કર્યું નથી. જમ્મુ-કાશ્મીરના લોકો
નામ અને પાર્ટી માટેનો ધ્વજ નક્કી કરશે. હું મારી પાર્ટીને હિન્દુસ્તાની નામ આપીશ કે જે દરેક જણને સમજાઈ શકે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘મારી પાર્ટી જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ રાજ્યના દરજ્જા, જમીનનો અધિકાર અને સ્થાનિક લોકોની રોજગારી પર ફોકસ કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મારી પાર્ટીના પહેલા યુનિટની જમ્મુ-કાશ્મીરમાં રચના કરવામાં આવશે.’
કૉન્ગ્રેસ ગ્રાઉન્ડ પર નહીં, ટ્વિટર પર
કૉન્ગ્રેસની ટીકા કરતાં આઝાદે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અમારા લોહીથી અમારા દ્વારા બની હતી, કમ્પ્યુટર્સ અને ટ્વિટર દ્વારા નહીં. લોકો અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેમની પહોંચ કમ્પ્યુટર્સ અને ટ્વીટ્સ સુધી જ છે. એ જ કારણ કૉન્ગ્રેસ જમીન પર ક્યાંય જોવા મળતી નથી.’ કૉન્ગ્રેસનાં સરકાર વિરોધી આંદોલનો વિશે કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસમાંથી લોકો હવે બસોમાં જેલોમાં જાય છે, ડીજીપી કે કમિશનરોને કૉલ કરે છે, તેમનાં નામ લખાવે છે અને એક કલાકમાં જતા રહે છે. આ જ કારણે કૉન્ગ્રેસનો ગ્રોથ થઈ શકતો નથી.’