23 November, 2026 07:03 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હીના જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં સોમવારે બપોરે લગભગ ૨:૩૦ વાગ્યે એક વ્યક્તિએ પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. બાદમાં, જ્યારે આરોપી વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને પકડવાના પ્રયાસ દરમિયાન પોલીસે તેના પર ગોળીબાર કર્યો. આરોપી વ્યક્તિની ઓળખ નબીલ તરીકે થઈ છે. ગોળીબાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નબીલને તેના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના સંબંધમાં પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. તેની માતા અને બહેને કૌટુંબિક વિવાદ અંગે ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન, નબીલે અચાનક પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓને ગરદન અને ચહેરા પર ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને શરૂઆતમાં સંજીવન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે સર ગંગા રામ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
હુમલા બાદ નબીલ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને ભાગવા માટે તેણે એક ટુ-વ્હીલર પણ હાઈજૅક કરી લીધી હતી. પોલીસે તેનો પીછો કર્યો અને ચિતલી કબ્ર વિસ્તાર નજીક તેને શોધી કાઢ્યો. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી, ત્યારે આરોપી વ્યક્તિએ ફરી એકવાર પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો અને તેને કાબૂમાં લીધો. ગોળીબાર બાદ આરોપી વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું, "જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના બાદ એક ઍન્કાઉન્ટર થયું. નબીલ નામના વ્યક્તિને તેની માતા અને બહેન સાથેના કૌટુંબિક વિવાદ અંગેની ફરિયાદના સંબંધમાં સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. તેણે અચાનક પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો કર્યો. ગોળી વાગ્યા બાદ આરોપી વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે." આરોપી વ્યક્તિ હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા પાંચ પોલીસકર્મીઓને પણ વધુ સારવાર માટે સર ગંગા રામ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.