07 November, 2026 10:49 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રાંશુ સચાન
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક ભયંકર માર્ગ-અકસ્માત બાદ સમયસર સારવાર ન મળતાં બાવીસ વર્ષના એક પોલીસ-કૉન્સ્ટેબલ પ્રાંશુ સચાનનું ઍમ્બ્યુલન્સમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાંશુને કાનપુરની હૉસ્પિટલમાં લઈ જતી ઍમ્બ્યુલન્સ ભારતીય જનતા પાર્ટી (BJP)ની રૅલીને કારણે શહેરમાં લાગેલા ભારે ટ્રાફિક-જૅમમાં લગભગ દોઢ કલાક સુધી ફસાઈ રહી હતી.
પ્રાંશુના પિતા પ્રમોદ સચાને જણાવ્યું હતું કે તેઓ મંગળવારે બાઇક પર ફતેહપુરના કલ્યાણપુર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતા એક ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. પ્રાંશુ ડમ્પરનાં પૈડાં નીચે કચડાઈ ગયો હતો, જ્યારે ડમ્પરચાલક ફરાર થઈ ગયો.
પ્રાંશુને કાનપુર શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ રસ્તામાં ભયંકર જૅમ હતો. ઍમ્બ્યુલન્સમાં તડપતા દીકરાને બચાવવા પિતા ક્યારેક ટ્રાફિક-પોલીસ પાસે તો ક્યારેક ભીડ સામે હાથ જોડીને રસ્તો આપવા કરગરતા રહ્યા, છતાં એને રસ્તો ન મળ્યો. દોઢ કલાક બાદ જ્યારે તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ પ્રાંશુને મૃત જાહેર કર્યો હતો. એકના એક યુવાન દીકરાને પોતાની નજર સામે મરતો જોઈને પિતા ભાંગી પડ્યા હતા.