14 December, 2024 09:58 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
દિલ્હી (New Delhi)ની એક શાળાને શનિવારે સવારે ફરીથી બોમ્બ (Delhi School Bomb Threats)ની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલ દ્વારા મેસેજ મોકલ્યો છે. જે શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે તે શાળાનું નામ ડીપીએસ આરકે પુરમ (DPS RK Puram Bomb Threat) છે.
આજે ફરી દિલ્હીની શાળાને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. દિલ્હીની ડીપીએસ આરકે પુરમ શાળાને બોમ્બની ધમકી મળી છે. ધમકી બાદ દિલ્હી પોલીસ (Delhi Police) અને શાળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે દિલ્હીની ૧૬ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. ઈમેલ દ્વારા મોકલવામાં આવેલી ધમકી બાદ જાણીતી શાળાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ શાળાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ગઈકાલે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્કવોડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિહારની ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલને સવારે 4:21 વાગ્યે, શ્રી નિવાસપુરીની કેમ્બ્રિજ સ્કૂલને સવારે 5:50 વાગ્યે અને ડીપીએસ અમર કોલોનીને સવારે 6:35 વાગ્યે ધમકીનો ઈમેલ મળ્યો હતો. એ જ રીતે અન્ય શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.
સ્કૂલ મેનેજમેન્ટે ઈમેલ જોતાની સાથે જ સ્કૂલમાં રજા આપી દીધી અને સંબંધિત વિભાગોને જાણ કરી. પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે શાળાઓના દરેક ખૂણે ખૂણે તપાસ કરી હતી. જો કે કોઈ પણ શાળામાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુનાહિત ધાકધમકી અને ષડયંત્રનો કેસ નોંધ્યો છે.
શાળામાં બોમ્બની ધમકીની માહિતી મળતાં જ વાલીઓ પોતાના બાળકોને શાળાએથી પાછા લઈ જવા આવ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટે બાળકોને કતારમાં જ બહાર કાઢ્યા હતા. ધમકી બાદ અનેક સ્કૂલોમાં શુક્રવારે ક્લાસ ઓનલાઈન કરવામાં આવ્યા હતા.
ભટનગર પબ્લિક સ્કૂલ - પશ્ચિમ વિહાર, ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, ડીપીએસ આરકેપુરમ, કેમ્બ્રિજ સ્કૂલ - શ્રીનિવાસ પુરી, વેંકટેશ પબ્લિક સ્કૂલ - રોહિણી, બ્રિટિશ સ્કૂલ - ચાણક્યપુરી, મોડર્ન સ્કૂલ, એનડીપીએસ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ, એસડીપી સ્કૂલ - ડિફેન્સ કોલોની, રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ, ડીએવી પબ્લિક સ્કૂલ - દરિયાગંજ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ડોન બોસ્કો સ્કૂલ, એસટીએસ સ્કૂલ અને ડીપીએસ વસંત કુંજને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે.
એટલું જ નહીં, પાંચ દિવસ પહેલા ૯ ડિસેમ્બરના રોજ ૪૪થી વધુ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ૩૦,૦૦૦ ડોલરની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.