11 January, 2025 05:08 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
દિનેશ સ્વરૂપ પ્રજાપતિ ઉર્ફે ચાયવાલે બાબા
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ચા વેચતાં-વેચતાં સાધુ બની ગયેલા દિનેશ સ્વરૂપ પ્રજાપતિ ઉર્ફે ચાયવાલે બાબા પ્રયાગરાજ પહોંચ્યા છે અને મહાકુંભમાં તેમની જોરદાર ચર્ચા થઈ રહી છે. તેમણે ૪૦ વર્ષથી ભોજન લીધું નથી અને રોજ માત્ર ૧૦ ચા પીએ છે. તેમણે મૌન ધારણ કર્યું છે અને બોલતા નથી. છતાં પણ છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપે છે. તેઓ સ્ટુડન્ટ્સને માત્ર ઇશારાથી કે વૉટ્સઍપના માધ્યમથી માર્ગદર્શન આપે છે.
ચાયવાલે બાબા સાથે રહેતા તેમના સમર્પિત સ્ટુડન્ટ રાજેશ સિંહે જણાવ્યું હતું કે ‘મહારાજજી અમને ઘણાં વર્ષોથી માર્ગદર્શન આપે છે. તેમના મૌન છતાં અમે તેમની લિખિત નોટ્સ અને ઇશારાઓથી બધું સમજીએ છીએ. તેમનું જ્ઞાન તેમના શબ્દોથી ઘણું વધારે છે. બાબા વિશે જાણીને માત્ર દેશના જ નહીં, વિદેશના લોકો પણ ચોંકી જાય છે અને તેમને ભાવથી નમન કરે છે.’
બાબા સ્ટુડન્ટ્સને નિ:શુલ્ક કોચિંગ આપે છે અને સ્ટડી-મટીરિયલ પણ પૂરું પાડે છે. પોતાની એનર્જી બચાવી રાખવા તેઓ મૌન વ્રત ધારણ કરે છે જેથી તેમના જ્ઞાનનો લાભ બીજા લોકોને મળતો રહે.
ફ્રાન્સથી આવી પાસ્કલ નામની મહિલા
કુંભમેળામાં ભાગ લેવા માટે ફ્રાન્સથી પાસ્કલ નામની મહિલા પ્રયાગરાજ પહોંચી છે. તે હિન્દુ ધર્મમાં પ્રખર વિશ્વાસ રાખે છે અને શિવભક્ત છે. તેને કુંભના આયોજન અને એના મહત્ત્વની ખબર છે. તેણે કહ્યું હતું કે ‘પ્રયાગરાજમાં આવીને હું ખૂબ ખુશ છું. આ પવિત્ર સ્થળ છે અને અહીં આત્માની શુદ્ધિ થાય છે. હું અહીં યોગીઓ, સાધુ-સંતો અને હિન્દુ લોકોને મળવા આવી છું.’
મહાકુંભ માટેના સાધુઓના છાવણીપ્રવેશનો ધમધમાટ ચરમસીમાએ
પ્રયાગરાજમાં ગઈ કાલે મહાકુંભ માટે આવેલા નિરંજની અખાડાના સાધુઓએ છાવણી પ્રવેશ કરતાં પહેલાં સરઘસમાં ગજબનાં કરતબ રજૂ કર્યાં હતાં.