19 March, 2025 06:42 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
છત્રપતિ શિવાજી મહારાજ અને મુગલ શાસક ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ ખડો થયો છે. હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજને લઈને એવું નિવેદન આપ્યું છે કે તેના પર વિવાદ શરૂ થઈ ગયો. ઓડિશાના બારગઢથી બીજેપી સાંસદ પ્રદીપ પુરોહિતે સંસદમાં કહ્યું કે પીએમ મોદી ગયા જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા. સાંસદના આ નિવેદન પર સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી વિવાદ વધી ગયો.
લોકસભામાં બોલતી વખતે બીજેપી સાંસદે કહ્યું કે તેમની એક સંત સાથે મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું કે સંતે કહેવાતી રીતે તેને કહ્યું કે પીએમ મોદીએ ગયા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા. પ્રદીપ પુરોહિતે આગળ કહ્યું કે પીએમ મોદી હકીકતે છત્રપતિ શિવાજી મહારાજ છે, જેમણે મહારાષ્ટ્ર સહિત આખા દેશને વિકાસ અને પ્રગતિ તરફ લઈ જવા માટે પુનર્જન્મ લીધો છે.
બીજેપીના સાંસદના નિવેદનનો સંસદમાં વિરોધ
બીજેપી સાંસદના આ નિવેદનનું કૉંગ્રેસ સહિત વિપક્ષના અનેક સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો, જેના પછી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આસનથી આગ્રહ કર્યો કે જો આ ટિપ્પણીથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો આને સદનની કાર્યવાહીમાંથી ખસેડવા વિશે વિચાર કરવામાં આવે. ચૅર પર બેઠેલા દિલીપ સૈકિયાએ નિર્દેશ આપ્યો કે પ્રદીપ પુરોહિતની વાતોની તપાસ કરી તેને સદનની કાર્યવાહીમાંથી ખસેડવાની પ્રક્રિયા કરવામાં આવે.
કૉંગ્રેસે ગણાવ્યું છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન
કૉંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પ્રદીપ પુરોહિતના નિવેદનની ટીકા કરતાં X પર પોસ્ટ કરી, "આ લોકોએ છત્રપતિ શિવાજી મહારાજનું સન્માનનીય મુકુટ નરેન્દ્ર મોદીના માથે રાખીને શિવાજી મહારાજનનું અપમાન કર્યું છે. હવે આ બીજેપી સાંસદનું નિવેદન સાંભળો."
સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદનની નિંદા કરી રહ્યા છે. તેઓ કહે છે કે આ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન છે. એક યુઝરે લખ્યું, `શિવાજી મહારાજ સ્વરાજ્યના સ્થાપક હતા, કોઈ પક્ષના પ્રતીક નહીં.` શું તેમની બહાદુરી, બલિદાન અને વિચારધારાને રાજકારણ સાથે જોડવાથી તેમની મહાનતા મર્યાદિત નથી થઈ રહી?
નોંધનીય છે કે, નાગપુર શહેરમાં ગઈ કાલથી હિંસા ફાટી નીકળી છે. મુગલ રાજા ઔરંગઝેબની કબરને હટાવવાની માગણીને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારો અને આગ બનાવની ઘટના બની હતી. આ પરિસ્થિતી હવે કાબૂમાં છે. આ ઘટનાને લઈને મુખ્ય પ્રધાને વિધાનસભામાં નિવેદન જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસાને `પૂર્વયોજિત કાવતરું` ગણાવ્યું હતું અને તાજેતરમાં રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ `છાવા` જે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હતી તેને ઔરંગઝેબ સામે વધી રહેલી ભાવનાઓ સાથે અશાંતિને જોડી હતી.