મધ્ય પ્રદેશની હાઈ કોર્ટનો ફેંસલો: ધારની ભોજશાલા વાગ્દેવીનું મંદિર જ

16 May, 2026 09:09 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

અયોધ્યાના કેસને આ નિર્ણયનો આધાર બનાવવામાં આવ્યો, મુસ્લિમોને નમાજ પઢવાની પરવાનગી આપતો આદેશ રદ : મંગળવારે હિન્દુપૂજા અને શુક્રવારે નમાજ પઢવાનો સમાધાનકારી નિર્ણય રદ, હવે અહીં રોજ પૂજા થઈ શકશે

ધારની ભોજશાલા

મધ્ય પ્રદેશની હાઈ કોર્ટે ધારની ભોજશાલા વાગ્દેવીનું મંદિર હોવાનું માન્યું છે. શુક્રવારે આપેલા નિર્ણયમાં હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘અમે પુરાતત્ત્વ અને ઐતિહાસિક તથ્યો તથા આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ના સર્વે-રિપોર્ટ પર અધ્યયન કર્યું છે. ASI ઍક્ટની જોગવાઈઓની સાથે અયોધ્યાના કેસને પણ આધાર માનીને નિર્ણય લીધો છે. ધારની ભોજશાલાની ઐતિહાસિક અને સંરક્ષિત જગ્યા દેવી સરસ્વતીનું મંદિર છે. કેન્દ્ર સરકાર અને ASI એ નિર્ણય લે કે ભોજશાલાના મંદિરનું મૅનેજમેન્ટ કેવું રહેશે.’

હાઈ કોર્ટે ૨૦૦૩માં જે સહિયારો પૂજા-નમાજ પઢવાનું સમાધાન કરતો આદેશ આપ્યો હતો એ પણ રદ કર્યો હતો. એમાં દર મંગળવારે ભોજશાલામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો અને દર શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવાનો અધિકાર આપ્યો હતો. બાકીના દિવસો આ પરિસર ASIના નિયંત્રણમાં રહેતો હતો. આ નિર્ણય વિવાદને શાંત રાખવા માટેના સમાધાન તરીકે લાગુ કરવામાં આવ્યો હતો.

ભોજશાલાને કમાલ મૌલા મસ્જિદ ગણાવતા મુસ્લિમ પક્ષને કોર્ટે કહ્યું હતું કે ‘આ સ્થળને મસ્જિદનો દરજ્જો નહીં મળી શકે, પરંતુ રાજ્ય સરકાર મુસ્લિમ સમુદાય માટે મસ્જિદ બનાવવા માટે અલગ જમીન આપી શકે છે જેથી ત્યાં નવી મસ્જિદ બની શકે.’

મુદ્દો શું હતો?

હિન્દુ પક્ષે ૨૦૦૩ના કોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો અને અરજી કરી હતી કે આ તેમનું ધાર્મિક સ્થળ છે અને માત્ર મંગળવારે જ પૂજા કરવાની પરવાનગી મળે એ ખોટું છે, મંદિરના સ્થાને રોજ પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. આ અરજી પછી ૨૦૨૪ની બાવીસ માર્ચે કોર્ટે ASIના વૈજ્ઞાનિકોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. સર્વે દરમ્યાન ખોદકામ, દીવાલોની તપાસ અને જૂના પથ્થરો તેમ જ શિલાલેખોનું અધ્યયન કરવામાં આવ્યું. આ સર્વે લગભગ ૯૮ દિવસ ચાલ્યો. ૨૦૨૪ના જુલાઈ મહિનામાં ASIએ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો એમાં કહેવાયું હતું કે ‘મસ્જિદની નીચે જૂના મંદિરના અવશેષો મળ્યા છે. એમાં નકશીદાર થાંભલા, તૂટેલી મૂર્તિઓ અને પરમાર કાળ સાથે જોડાયેલા શિલાલેખોનાં પ્રમાણ મળ્યાં છે.’

ટૂંકમાં, ASIનો રિપોર્ટ સ્પષ્ટ દાવો કરી રહ્યો હતો કે અહીં પહેલાં મોટું હિન્દુ મંદિર હતું. મુસ્લિમ પક્ષે આ રિપોર્ટને પક્ષપાતપૂર્ણ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સર્વે યોગ્ય રીતે નથી થયો. તેમણે જૂના રેકૉર્ડ્સમાં અહીં લાંબા સમયથી મસ્જિદ હોવાનો દાવો કર્યો હતો.

madhya pradesh archeological survey of india national news news