કેબલ કાર સેવા અચાનક બંધ થઈ જતાં અલગ-અલગ કેબિનોમાં આશરે 300 જેટલા પ્રવાસીઓ હવામાં લટકી પડ્યા હતા. ઘટનાને પગલે પ્રવાસીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર (એઆઇ)
જમ્મુ-કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાંથી આજે એક અણધારી દુર્ઘટના ઘટી. ગુલમર્ગનો પ્રખ્યાત અને એશિયાનો સૌથી ઊંચો રોપ-વે `ગુલમર્ગ ગોંડોલા` સોમવારે એક મોટી ટેક્નિકલ ખામીના કારણે અચાનક અધ્ધર હવામાં થંભી ગયો હતો. કેબલ કાર સેવા અચાનક બંધ થઈ જતાં અલગ-અલગ કેબિનોમાં આશરે 300 જેટલા પ્રવાસીઓ હવામાં લટકી પડ્યા હતા. ઘટનાને પગલે પ્રવાસીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
હવામાં સર્જાયા દિલધડક દ્રશ્યો
નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર, રોપ-વે અચાનક બંધ થઈ જતાં કેબિનની અંદર હાજર પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો ડરના માર્યા રડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રવાસીઓની ચિંતા અને ચીસાચીસ દેખાતી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પ્રશાસન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ, એસડીઆરએફ (SDRF) અને
ભારતીય સેનાએ સંયુક્ત રીતે મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું હતું.
સેનાના જવાનોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ
પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય સેનાના જવાનોએ દિલધડક કામગીરી કરી હતી. સેનાના જવાનો પ્રવાસીઓ સુધી પહોંચવા માટે કેબલ વાયર પર ઊંધા લટકીને કેબિન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ, પ્રશિક્ષિત ટીમોએ દોરડાની મદદથી મહિલાઓ, બાળકો અને તમામ પ્રવાસીઓને એક-એક કરીને કેબલ કારમાંથી નીચે ઉતાર્યા હતા. નીચે ઉભેલા સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક લોકોએ તેમને પર્વત પરથી સુરક્ષિત નીચે લાવવામાં મદદ કરી હતી. પ્રશાસને જણાવ્યું કે અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે નીચે લાવવા રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી
ઓમર અબ્દુલ્લાએ આ ઘટના અંગે જણાવ્યું કે, "સરકાર પરિસ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખી રહી છે. તમામ કેબિનો અને તેની અંદર ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. નિષ્ણાત ટીમો બચાવ કામગીરી કરી રહી હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી." બીજી તરફ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યના ડીજીપી (DGP) નલિન પ્રભાતને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા નિર્દેશ આપ્યો હતો. હાલમાં ડીજીપી નલિન પ્રભાત, આઈજીપી કાશ્મીર ઝોન વી.કે. બિરડી અને ડીઆઈજી રાજીવ પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને બચાવ કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. ટેક્નિકલ ટીમ પણ આ ખામીને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
વિશ્વનો બીજો સૌથી મોટો રોપ-વે
ગુલમર્ગ ગોંડોલા એશિયાનો સૌથી ઊંચો અને સૌથી લાંબો કેબલ કાર પ્રોજેક્ટ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં તે બીજા ક્રમની સૌથી મોટી રોપ-વે સિસ્ટમ છે. તે ગુલમર્ગના બેઝ સ્ટેશનથી કોંગડોરી અને ત્યાંથી અફરવત શિખર સુધી જાય છે, જ્યાંથી બરફીલા પહાડોનો અદભુત નજારો જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં અહીં રોજના હજારો પ્રવાસીઓ આવે છે. જોકે, આ ભયાનક ઘટના બાદ હવે ગોંડોલાના સુરક્ષા ધોરણો અને તેની જાળવણી (મેન્ટેનન્સ) સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.