21 September, 2026 06:52 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
અસદુદ્દીન ઓવૈસી
યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાનપુરની મુલાકાત લીધી અને એક જાહેર સભાને સંબોધિત કરી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે કાનપુર કેન્ટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. પોતાના સંબોધનમાં ઓવૈસીએ રાજકીય મુદ્દાઓની સાથે પતિ-પત્નીના સંબંધો વિશે પણ વાત કરી.
ઓવૈસીએ પરિણીત પુરુષોને તેમની પત્નીઓ પ્રત્યે નિયમિતપણે પ્રેમ વ્યક્ત કરવાનું કહ્યું. તેમણે કહ્યું, "તમારે સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલા તમારી પત્નીને `આઈ લવ યુ` કહેવું જોઈએ." તેમણે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આદર જાળવવા પર ભાર મૂક્યો અને નોંધ્યું કે આનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાય છે અને પરસ્પર સ્નેહ મજબૂત થાય છે. આ વાતને પોતાની પાર્ટી સાથે જોડતા તેમણે ઉમેર્યું, "તમારી પત્નીને પ્રેમ કરો અને મજલિસને મત આપો."
જાહેર સભા દરમિયાન, અસદુદ્દીન ઓવૈસીએ ભીડને "આઈ લવ મોહમ્મદ"ના નારા પણ લગાવવા કહ્યું. તેમણે લોકોને કહ્યું કે જો તેઓ AIMIMને પ્રેમ કરતા હોય, તો તેમણે તે ખુલ્લેઆમ વ્યક્ત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં "આઈ લવ મોહમ્મદ" નારાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા; આ મુદ્દે બરેલીમાં હિંસા પણ ફાટી નીકળી હતી.
યુપી વિધાનસભા ચૂંટણી અંગે, ઓવૈસીએ વિપક્ષી પક્ષો સાથે ગઠબંધન કરવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે જે વિપક્ષી પક્ષો ભાજપને સત્તામાં પાછા ફરતા રોકવા માગે છે તેઓ AIMIM સાથે ગઠબંધન કરી શકે છે. ઓવૈસીએ જણાવ્યું કે તેઓ હાલમાં 2 ઑક્ટોબર સુધી રાહ જોઈ રહ્યા છે, ત્યારબાદ તેઓ નક્કી કરશે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી માટે કયા પક્ષ સાથે ગઠબંધન કરવું.
ઓવૈસીએ એવા આરોપોનો પણ જવાબ આપ્યો કે AIMIM ભાજપની બી-ટીમ" તરીકે કામ કરે છે. તેમણે નોંધ્યું કે તેમની પાર્ટી પર વારંવાર ભાજપને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સમાજવાદી પાર્ટીના મંચ પરથી લગાવવામાં આવતા વિવિધ નારાઓ અથવા તેના નેતાઓના રાજકીય જોડાણો અંગે આવી તપાસ કેમ કરવામાં આવતી નથી. પોતાના ભાષણમાં ઓવૈસીએ AIMIMની ચૂંટણી વ્યૂહરચના અને સંભવિત ગઠબંધન અંગેની પોતાની સ્થિતિ પણ સ્પષ્ટ કરી.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ `યુનિફોર્મ સિવિલ કોડ` (UCC) વિરુદ્ધની એક રૅલી દરમિયાન `જેન ઝી` (Gen Z) ના યુવાનોને એક અનોખો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, "જે પુરુષ પોતાની પત્નીની ગુલામી કરે છે, તે સારો પુરુષ છે."