✕

નીતીશ કુમાર માટે ૯ લોકોની હત્યા કરાવી હોવાનો દાવો કરીને ચકચાર જગાડી બિહારી વિધાનસભ્ય અનંત સિંહે

17 October, 2026 12:47 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

નીતીશ કુમાર માટે ૯ લોકોની હત્યા કરાવી હોવાનો દાવો કરીને ચકચાર જગાડી બિહારી વિધાનસભ્ય અનંત સિંહે, વિવાદ થયા પછી જોકે ફેરવી તોળ્યું કે મારી વાતનું ખોટું અર્થઘટન થયું

બિહારી વિધાનસભ્ય અનંત સિંહ

બિહારમાં મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC)ની ચૂંટણી વિશે જનતા દલ યુનાઇટેડ (JDU)ની અંદર ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોકામા બેઠકના JDUના વિધાનસભ્ય અનંત સિંહે એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપતાં દાવો કર્યો હતો કે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના શરૂઆતના રાજકીય સમયમાં મેં પાર્ટી માટે મોટી કુરબાની આપી હતી, એ દરમ્યાન મેં ૯ લોકોનું મર્ડર કરાવ્યું હતું. 
અનંત સિંહે દાવો કર્યો હતો કે ‘જ્યારે નીતીશ કુમાર રાજકારણમાં કંઈ જ નહોતા અને અહીં-તહીં ફરતા હતા ત્યારે મેં જ નીતીશ કુમારનો સાથ આપ્યો હતો. મારા જેટલી કુરબાની પાર્ટી માટે બીજા કોઈએ આપી નથી.’ 
જોકે તેમણે પોતાને નીતીશ કુમારના કટ્ટર સમર્થક અને વફાદાર ગણાવતાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાના નેતાને કોઈ પડકાર ફેંકી રહ્યા નથી. 
જોકે અનંત સિંહના ૯ મર્ડરના દાવાથી જબરદસ્ત વિવાદ ફાટી નીકળ્યો હતો અને એને પગલે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે ‘મારી વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. મારો કહેવાનો મતલબ એ હતો કે રાષ્ટ્રીય જનતા દલના શાસન દરમ્યાન નીતીશ કુમારને સપોર્ટ કરવા બદલ મેં મારા પોતાના ૯ લોકોને ગુમાવ્યા હતા.’

bihar national news nitish kumar bihar elections janata dal united