22 December, 2018 06:33 PM IST |
કમલ હાસને આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. (ફાઇલ)
અભિનેતા અને રાજનેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) આગામી લોકસભા ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી તમિલનાડુના વિકાસ પર ફોકસ કરી રહી છે. આગામી ચૂંટણીમાં સમાન વિચારધારાવાળી પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. જોકે તેમણે કહ્યું કે આમ કહેવું હાલ ઉતાવળ ગણાશે કે તેમની પાર્ટી કોઈ ગઠબંધનનો હિસ્સો બનશે અથવા તેનું નેતૃત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે કમલ હાસને આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની રાજકીય પાર્ટી મક્કલ નિધિ મય્યમનું ગઠન કર્યું છે. તેઓ સતત રાજ્યની એઆઇએડીએમકે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રહ્યા છે. હાસને કહ્યું- હું ચૂંટણી લડીશ. ટુંક સમયમાં કમિટી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેશે. તેમણે કહ્યું કે તેઓ એવી કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, જે તમિલનાડુના ડીએનએને બદલવાની કોશિશ કરે છે.
કમલ હાસને ગત દિવસોમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્રમુક સાથેનું ગઠબંધન તોડી નાખશે તો 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ સાથે હાથ મેળવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે એમએનએમનું ગઠબંધન રાજ્યના લોકો માટે ઘણું ફાયદાકારક રહેશે. હાસને જૂનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી.
ગયા મહિને કમલ હાસને એલાન કર્યું હતું કે તેમની પાર્ટી તમિલનાડુની 20 સીટ્સ પર થનારી પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે. અહીંયા મદ્રાસ હાઇકોર્ટ દ્વારા અન્નાદ્રમુકના 18 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી આ સીટ્સ ખાલી છે. જયારે બે સીટ્સ એમ કરૂણાનિધિ અને એકે બોઝના નિધન પછીથી ખાલી છે.